Loading Please Wait !!!
મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ, સંગ્રહખોરો બેફામ

 

  • ખાંડ, દાળ અને તેલના ભાવમાં તોતિંગ ઉછાળો

  • મધ્યમ અને ગરીબ પરિવારોની આર્થિક કમર તૂટી

  • વચેટિયાઓ અને સંગ્રહખોરોની નફાખોરી બેફામ બની

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

વર્તમાન સમયમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસાધારણ વધારો થતાં મધ્યમ અને ગરીબ પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ સામાન્ય લોકોની આવક મર્યાદિત છે, તો બીજી તરફ મોંઘવારીનો સતત વધતો બોજ સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. બજારમાં સંગ્રહખોરો અને નફાખોરી પર કોઈ અંકુશ ન જળવાતા કાળાબજારિયાઓ બેફામ બન્યા છે, છતાં સરકાર દ્વારા આ બાબતે મૌન ધારણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2013ની સરખામણીમાં ખાંડ 127%, દાળો 116%, તેલ 150% અને દૂધ 136% મોંઘા થયા છે. વર્ષ 2013માં જે ખાંડનો ભાવ આશરે રૂ. 37 પ્રતિ કિલો હતો, તે આજે વધીને આશરે રૂ. 84 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત તુવેરની દાળ રૂ. 74થી વધીને રૂ. 160, અડદની દાળ રૂ. 71થી વધીને રૂ. 160 અને ચણાની દાળ રૂ. 50થી વધીને રૂ. 125 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

અનાજ ઉપરાંત ખાદ્યતેલો અને દૂધના ભાવોમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. સરસિયાનું તેલ રૂ. 102થી વધીને રૂ. 263 અને સિંગતેલ રૂ. 164થી વધીને રૂ. 286 પ્રતિ કિલો થઈ ગયું છે. દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ. 36થી વધીને રૂ. 85 પર પહોંચ્યો છે, જ્યારે લોટ રૂ. 21થી વધીને રૂ. 69 અને ચોખા રૂ. 29થી વધીને રૂ. 71 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.

રસોડાના મુખ્ય અંગ ગણાતા મસાલાઓ જેવા કે જાયફળ, જીરું, લાલ મરચું અને હળદરના ભાવમાં પ્રતિકિલોએ રૂ. 150થી 800 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. મે 2013માં માત્ર રૂ. 23 પ્રતિ કિલો મળતી ડુંગળીના ભાવ વધીને રૂ. 84 થઈ ગયા છે, જેના કારણે 217 ટકાનો મોટો ભાવવધારો નોંધાયો છે અને મસાલા તેમજ શાકભાજીનું બજેટ પણ વેરવિખેર થઈ ગયું છે.

ઊંચા ભાવ ચૂકવવાનો આર્થિક લાભ પાયાના ઉત્પાદક એવા ખેડૂતોને મળી રહ્યો નથી, કારણ કે યોગ્ય વળતરના અભાવે ખેડૂતો પણ ગંભીર આર્થિક સંકટમાં મૂકાયા છે. પેટ્રોલ, ડીઝલ અને ઇંધણના ભાવોમાં થયેલા સતત વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે, ત્યારે જનતા દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે સરકાર પોતાનું મૌન તોડે અને સંગ્રહખોરો સામે કડક કાનૂની પગલાં ભરે.

મોંઘવારીના મારથી ત્રસ્ત જનતા

જીવન જરૂરિયાતની વસ્તુઓના આસમાને પહોંચેલા ભાવોના કારણે સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે વહેલી તકે કાગળ પર નહીં પરંતુ જમીની સ્તરે કડક પગલાં ભરીને રાહત આપવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી પ્રગટ થઈ રહી છે.