રાજસ્થાનના નાગોર મુંડવા નગરપાલિકામાં ભાજપને શરમજનક હાર
-
અલકા દેવી કંડોઈ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા
-
કુલ 25 બેઠકોમાંથી ભાજપે જીત્યા હતા 10 વોર્ડ
-
ભાજપના ચેરમેન પદના ઉમેદવાર ગીતા દેવી હાર્યા
સિટી ન્યુઝ @ નાગોર
રાજસ્થાનના નાગોર જિલ્લાની મુંડવા નગરપાલિકામાં ભાજપને શરમજનક હાર મળી છે. કુલ 25 બેઠકોમાંથી 10 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ હોવા છતાં, ભાજપના ચેરમેન પદના ઉમેદવાર ગીતા દેવીને એક પણ મત મળ્યો નહોતો. કોંગ્રેસ-આરએલપી ગઠબંધનના અલકા દેવી કંડોઈને 13 મતો મળતાં તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા. ભાજપના કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કરતાં પક્ષની આબરૂના ધજાગરા થયા હતા અને શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી.
રાજસ્થાનના અજમેર અને પાલી કોર્પોરેશનમાં ભાજપ દ્વારા સરકાર બનાવવાની ખબરો સામે આવી હતી, પરંતુ જયપુરથી આશરે 250 કિલોમીટર દૂર આવેલા નાગોરની મુંડવા નગરપાલિકામાં સ્થિતિ એકદમ વિપરીત રહી હતી. જિલ્લાની મુંડવા નગરપાલિકામાં સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપ માત્ર પોતાનો ચેરમેન બનાવવામાં જ નિષ્ફળ ન રહી, પરંતુ શરમજનક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો. અહીં ભાજપના તમામ કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભગવા દળના ચેરમેન પદના ઉમેદવારને એક પણ મત પ્રાપ્ત થયો નહોતો.
મુંડવા નગરપાલિકામાં ચેરમેન પદ માટે યોજાયેલા મતદાનમાં કોંગ્રેસ અને હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોતાંત્રિક પાર્ટી (આરએલપી)એ બાજી મારી લીધી હતી. કુલ 25 બેઠકોવાળી આ નગરપાલિકામાં ભાજપ શૂન્ય પર સીમિત થઈ ગઈ અને કોંગ્રેસ-આરએલપી ગઠબંધનને વિજય પ્રાપ્ત થયો હતો. કોંગ્રેસ અને આરએલપીના સંયુક્ત ઉમેદવાર અલકા દેવી કંડોઈને 13 મત મળ્યા અને તેઓ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા. બીજી તરફ, અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ સદાવાત માત્ર એક મતથી હારી ગયા, જેમને કુલ 12 કાઉન્સિલરના મત મળ્યા હતા.
મુંડવા નગરપાલિકામાં કુલ 25 વોર્ડ આવેલા છે, જેમાં ચૂંટણી દરમિયાન ભાજપે સૌથી વધુ 10 વોર્ડ પર વિજય મેળવ્યો હતો. જ્યારે આરએલપીને 7, કોંગ્રેસને 3 અને અપક્ષોને 5 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને આરએલપીએ હાથ મિલાવીને અલકા દેવીને પોતાના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા. ગઠબંધન પાસે કુલ 10 મત હોવા છતાં અલકા દેવીને 13 મત મળ્યા, જેનો અર્થ સ્પષ્ટ છે કે અપક્ષ અથવા ભાજપના કેટલાક કાઉન્સિલરોએ પણ તેમને મત આપ્યા હતા.
આ ચૂંટણી પરિણામોએ રાજસ્થાનના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે અને સ્થાનિક સ્તરે પક્ષની આંતરિક બાબતો પર સવાલો ઊભા કર્યા છે. સૌથી મજબૂત સ્થિતિમાં હોવા છતાં ક્રોસ વોટિંગના કારણે સત્તા ગુમાવવાનો વારો આવતા ભાજપ હાઈકમાન્ડ પણ આ મામલે ગંભીર નોંધ લઈ શકે છે.
મુંડવા નગરપાલિકામાં અચાનક પલલાયેલું રાજકીય સમીકરણ
નાગોરની મુંડવા નગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપે ક્રોસ વોટિંગના કારણે સત્તા ગુમાવવી પડી છે, જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.