એશિયન ગેમ્સ 2026માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ મેડલ
-
ફાઇનલ મુકાબલામાં શ્રીલંકા સામે શાનદાર વિજય
-
સ્મૃતિ મંધાનાએ ફટકાર્યા 79 અને રિચાએ બનાવ્યા 49 રન
-
શ્રીલંકાની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ
સિટી ન્યુઝ @ નિશિન
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે મંગળવારે રમાયેલી ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 3 વિકેટે 216 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ લક્ષ્યાંક સામે ઘુંટણ ટેકી ગઈ હતી.
ભારતીય ઇનિંગ્સ દરમિયાન સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 45 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 79 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે માત્ર 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા અને ઓપનર શેફાલી વર્માએ પણ 29 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાઈ હતી.
જવાબમાં 217 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે શરૂઆતથી જ દબાણમાં દેખાઈ હતી અને સમગ્ર ટીમ 15.4 ઓવરમાં માત્ર 69 રનમાં જ ઓલઆઉ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શકી નહોતી.
ભારત તરફથી ઘાતક બોલિંગ કરતા દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને ચરણીએ બે-બે વિકેટ મેળવીને શ્રીલંકાની બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી દીધી હતી. ઉત્કૃષ્ટ બોલિંગ પ્રદર્શનના કારણે પ્રતિસ્પર્ધી ટીમને મોટો સ્કોર બનાવવાની તક મળી ન હતી.
આ શાનદાર વિજય સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજીવાર ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર દેશમાંથી વિજેતા ખેલાડીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને આ ઐતિહાસિક સફળતાથી ભારતીય રમતગમત જગતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ઐતિહાસિક વિજય અને ગૌરવશાળી ક્ષણો
એશિયન ગેમ્સના મંચ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું આ પ્રદર્શન યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે, જેણે દેશનું નામ રોશન કર્યું છે.