Loading Please Wait !!!
ખૂબ જ ગરમ ચા-કોફીનું સેવન વધારી શકે છે અન્નનળીના કેન્સરનું જોખમ

 

  • હુંફાળા પીણું પીનારાઓની તુલનામાં ગરમ પીણું પીનારાઓમાં ઈસોફેજીયલ એસસીસીનું જોખમ ત્રણ ગણું વધુ

  • શરીરનું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી રહે છે, જ્યારે વધુ ગરમ પદાર્થો નુકસાન પહોંચાડે છે

  • ગંગારામ હોસ્પિટલ અને મારેગો એશિયા હોસ્પિટલના વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવ્યા મહત્વપૂર્ણ સૂચનો

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ખૂબ જ ગરમ ચા કે કોફી પીવાની આદત ધરાવતા લોકો માટે એક મોટો સ્વાસ્થ્ય ખતરો સામે આવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અંદાજે ૯.૮૦ લાખ લોકોના ડેટાના વિશ્લેષણમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઠંડા પ્રદેશોમાં અતિ ગરમ ખાદ્ય અને પેય પદાર્થોનું સેવન કરનારાઓમાં અન્નનળી (ઈસોફેગસ) ના કેન્સરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ જોવા મળે છે. અભ્યાસ મુજબ, હુંફાળા પીણાં પીનારા લોકોની સરખામણીમાં ખૂબ જ ગરમ પીણાં પીનારાઓમાં 'ઈસોફેજીયલ સ્કવેમસ સેલ કાર્સિનોમા' (એસસીસી) નું જોખમ લગભગ ત્રણ ગણું વધુ રહે છે.

કેન્સર નિષ્ણાત ડૉ. અંશુમન કુમારના જણાવ્યા મુજબ, માનવ શરીરનું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ રહે છે, અને તેનાથી ૧૫ થી ૨૦ ડિગ્રી વધુ તાપમાનવાળા પદાર્થો શરીરના કોષોને નુકસાન કરે છે. અન્નનળીની આંતરિક લાઈનીંગ અત્યંત સેન્સીટીવ હોય છે, જેને લાંબા સમય સુધી અતિ ગરમ ખાવા-પીવાથી ગંભીર નુકસાન થાય છે અને શરૂઆતમાં પ્રી-કેન્સર તથા બાદમાં કેન્સરનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને દેશના પૂર્વોતર ભાગો જેવા ઠંડા હવામાનવાળા વિસ્તારોમાં લોકો સતત ગરમ ચા, કોફી અને સૂપ લેતા હોવાથી ત્યાં આ પ્રકારના કેન્સરના કેસો વધુ જોવા મળે છે.

ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના વાઈસ ચેરમેન ડૉ. પિયુષ રંજન અને મારેગો એશિયા હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. સની જૈને પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ચા-કોફી પીવાથી સીધું કેન્સર નથી થતું, પરંતુ તેનું અતિશય ગરમ તાપમાન જોખમી સાબિત થાય છે. ભગવદ્ ગીતામાં પણ ખૂબ જ ગરમ ભોજનથી શરીરમાં તણાવ અને બિમારીઓ પેદા થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજના સમયમાં ટ્રેન્ડ બની ગયેલી તંદूरी ચા અને સ્મોકડ ફૂડના વધતા ચલણ વચ્ચે સ્વાસ્થ્ય સુરક્ષા માટે હુંફાળા કે મધ્યમ તાપમાનવાળા આહારનું સેવન કરવું જ હિતાવહ છે.

આરોગ્ય અને જીવનશૈલી

આરોગ્યપ્રદ આહાર અને યોગ્ય તાપમાનવાળા પેય પદાર્થોની પસંદગી કરવાથી પાચન અને અન્નનળીના ગંભીર રોગોથી સુરક્ષિત રહી શકાય છે.