Loading Please Wait !!!
હોર્મુઝના વિકલ્પ તરીકે ભારતનો ‘માસ્ટર પ્લાન’: સમુદ્રમાં ૨૦૦૦ કિ.મી. લાંબી પાઇપલાઇન બિછાવાશે

દરરોજ ૩૧ MMSCMD ગેસનું વહન થશે; ટેન્કરો પરની નિર્ભરતા ઘટશે અને સપ્લાય રહેશે અવિરત

હોર્મુઝ જળમાર્ગ બંધ થતા સરકારે લીધો મોટો નિર્ણય; ગુજરાતના બંદરો બનશે ઉર્જાના નવા હબ

૭૫ ટકા ગેસની આયાત ધરાવતા ક્ષેત્ર માટે ભારતની સુરક્ષા કવચ જેવી બ્લુ પ્રિન્ટ તૈયાર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે અત્યંત વ્યૂહાત્મક ગણાતો હોર્મુઝ જળમાર્ગ અવરોધાયો છે. આ માર્ગ બંધ થવાથી ભારત માટે ક્રૂડ ઓઈલ અને ગેસની આયાતમાં મોટો ફટકો પડ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા અને ભવિષ્યમાં ઉર્જાનો પુરવઠો કોઈપણ અવરોધ વગર જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે ૪૦,૦૦૦ કરોડના ખર્ચે એક મહત્વાકાંક્ષી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. આ યોજના હેઠળ ઓમાનથી સીધો ગુજરાત સુધી સમુદ્રની અંદર ૨૦૦૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન બિછાવવામાં આવશે.

કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટ માટે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (GAIL), એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા સંયુક્ત રીતે એક ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટમાં સમુદ્રના ઊંડા પાણીમાં પાઇપલાઇન દ્વારા ગેસનું વહન કેટલું વ્યાજબી રહેશે અને તેની સુરક્ષાના પાસાઓ શું હશે તેની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. રિપોર્ટ પૂર્ણ થયા બાદ તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે.

ભારત માટે ઓમાન ગેસનો અત્યંત મહત્વનો સપ્લાય દેશ બની રહ્યો છે. હાલમાં ભારતનો અંદાજે ૭૫ ટકા ગેસ મિડલ ઈસ્ટના દેશોમાંથી આયાત થાય છે. હોર્મુઝ જળમાર્ગમાં યુદ્ધના તણાવને કારણે સપ્લાય ખોરવાતા હાલમાં ભારતને અન્ય દેશો પાસેથી મોંઘા ટેન્કરો મારફત ગેસ મેળવવાની ફરજ પડી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે ‘મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન’ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ પાઇપલાઇન મારફત દરરોજ ૩૧ MMSCMD (Million Metric Standard Cubic Meters Per Day) ગેસનું વહન કરી શકાશે. આ પ્રોજેક્ટમાં ભારતને મિડલ ઈસ્ટના અન્ય દેશોનો પણ સહયોગ મળી રહ્યો છે. ગુજરાતના બંદરો આ પાઇપલાઇનનું લેન્ડિંગ પોઈન્ટ હશે, જ્યાંથી દેશના અન્ય ભાગોમાં ગેસ ગ્રીડ મારફત સપ્લાય પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટ સફળ થવાથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.