Loading Please Wait !!!
જર્મનીમાં તબીબી જગત કલંકિત: નરાધમ બાળરોગ ચિકિત્સકે ૧૦૦થી વધુ બાળકોનું કર્યું શોષણ

  • ૧૨ વર્ષ સુધી ક્લિનિકમાં જ ચાલતો રહ્યો કાળો કારોબાર; ૧૩૦ જેટલા ગુનાઓ નોંધાયા
  • સતર્ક માતાની શંકાએ ખોલ્યો પાપનો ઘડો; ડૉક્ટરના ઘરેથી મળ્યા ચોંકાવનારા પુરાવા
  • ૨૦૧૩થી ૨૦૨૫ સુધી નિર્દોષ બાળકોને બનાવ્યા નિશાન; યુરોપના મેડિકલ ક્ષેત્રમાં ફફડાટ

સિટી ન્યુઝ @ બર્લિન

તબીબને સમાજમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ જર્મનીના બર્લિન નજીક આવેલા બ્રાન્ડેનબર્ગમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતા અને આ પવિત્ર વ્યવસાય પરનો વિશ્વાસ હચમચાવી દીધો છે. એક ૪૬ વર્ષીય બાળરોગ ચિકિત્સક પર ૧૨ વર્ષના લાંબા ગાળા દરમિયાન ૧૦૦થી વધુ નિર્દોષ બાળકો પર જાતીય શોષણ અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બુધવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ ડૉક્ટરની વિકૃત માનસિકતા અને ક્રૂરતાના અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

અહેવાલો મુજબ, આરોપી ડૉક્ટર બ્રાન્ડેનબર્ગના એક ક્લિનિકમાં ફરજ બજાવતો હતો અને ત્યાં જ સારવાર માટે આવતા માસૂમોને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ જઘન્ય કૃત્યો ડિસેમ્બર ૨૦૧૩થી શરૂ થયા હતા અને છેક ૫ નવેમ્બર ૨૦૨૫ સુધી સતત ચાલતા રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડૉક્ટર પર બાળકો વિરુદ્ધ અત્યાચારના ઓછામાં ઓછા ૧૩૦ અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

આ શરમજનક કૃત્યનો પર્દાફાશ નવેમ્બર ૨૦૨૫માં થયો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક બાળકીની માતાને ડૉક્ટરની શંકાસ્પદ હિલચાલ જોઈને ફાળ પડી હતી. સતર્ક માતાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને પ્રાથમિક તપાસ બાદ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડૉક્ટરના ઘરેથી અનેક ડેટા સ્ટોરેજ ડિવાઇસ મળી આવ્યા છે, જેમાં બાળકોના શોષણના ફોટા અને વીડિયો હોવાનું જાણવા મળ્યું છે, જે તેની વિકૃત માનસિકતાને પુષ્ટિ આપે છે.

નોંધનીય છે કે અગાઉ ફ્રાન્સમાં પણ સર્જન જોએલ લે સ્કોર્નેકે વર્ષો સુધી ૨૯૮ દર્દીઓનું શોષણ કર્યું હતું, જેમને મે ૨૦૨૫માં ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હવે જર્મનીની આ ઘટનાએ સમગ્ર યુરોપના તબીબી જગતમાં સુરક્ષા અને નૈતિકતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ આરોપી ડૉક્ટર ન્યાયિક કસ્ટડીમાં છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાએ વાલીઓમાં પણ ચિંતાનો માહોલ પેદા કર્યો છે.