Loading Please Wait !!!
ઈરાનનો UAE પર ગંભીર પ્રહાર: બ્રિક્સમાં ફૂટ પાડવાના પ્રયાસોથી કાઝિમ ગરીબાબાદી લાલઘૂમ

  • પશ્ચિમ એશિયાના વિવાદ પર ભારતની મધ્યસ્થી સ્વીકારવા ઈરાન તૈયાર; બ્રિક્સ અધ્યક્ષતા પર જોખમ
  • ભારત માટે રાહતના સમાચાર; કેટલાક ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી મળી
  • ચાબહાર પોર્ટ માટે ભારત કટિબદ્ધ; અમેરિકન પ્રતિબંધો વચ્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરવા પર ભાર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પૂર્વે ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝિમ ગરીબાબાદીએ આપેલા નિવેદનોએ વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. ગરીબાબાદીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને બ્રિક્સ દેશો વચ્ચેના આંતરિક મતભેદો અંગે ખુલીને વાત કરી હતી. તેમણે કોઈનું નામ લીધા વિના સંકેત આપ્યો હતો કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) બ્રિક્સ સમૂહમાં ઈરાન વિરોધી વલણ અપનાવી રહ્યું છે, જે ભારતની બ્રિક્સ અધ્યક્ષતાની સફળતા માટે ચિંતાનો વિષય છે.

ઈરાને ગંભીર આક્ષેપ કર્યો છે કે કેટલાક આરબ દેશોએ અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા દીધો છે. જોકે, આ મુશ્કેલ સ્થિતિમાં પણ ઈરાને ભારતની ભૂમિકાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. ગરીબાબાદીએ જણાવ્યું કે ભારત હંમેશા નિષ્પક્ષ રહ્યું છે અને જો ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા કોઈ મધ્યસ્થી અથવા પહેલ કરશે, તો ઈરાન તેને હોંશભેર સ્વીકારશે. ભારતની આ વ્યૂહનીતિ વૈશ્વિક ફલક પર તેની વિશ્વસનીયતા વધારી રહી છે.

વિશ્વ વેપાર માટે અત્યંત મહત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અંગે ઈરાને મોટી જાહેરાત કરી છે. ઈરાન અને ઓમાન મળીને હવે વેપારી જહાજો માટે એક નવી ‘સર્વિસ અને પેમેન્ટ’ સિસ્ટમ બનાવી રહ્યા છે. આ સિસ્ટમ હેઠળ જહાજના કદ અને વજન મુજબ ફી (ટોલ) લેવામાં આવશે. રાહતની વાત એ છે કે ઈરાને કેટલાક ભારતીય જહાજોને આ માર્ગેથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. જોકે, ઈરાને શરત મૂકી છે કે અમેરિકાએ નાકાબંધી હટાવવી પડશે અને ઈરાનના ફ્રીઝ કરેલા નાણાં પરત કરવા પડશે.

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ અંગે ઈરાને સ્પષ્ટતા કરી છે કે તેઓ ભારત સાથે મળીને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા કટિબદ્ધ છે. બીજી તરફ, પાકિસ્તાન દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે કરવામાં આવતી મધ્યસ્થી પર ઈરાને કટાક્ષ કરતા કહ્યું કે પાકિસ્તાન માત્ર એક ‘ફેસિલિટેટર’ છે, કોઈ મોટો મધ્યસ્થી નથી.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા આ સંમેલનમાં રશિયા અને ઈરાન સહિત ૧૧ દેશો ભાગ લઈ રહ્યા છે. ઇન્ડોનેશિયાના નવા જોડાણ સાથે હવે આ સમૂહ દુનિયાની અડધી વસ્તી અને ૪૦% જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભવિષ્યમાં પશ્ચિમી દેશોના આર્થિક વર્ચસ્વ સામે એક સબળ વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે.