Loading Please Wait !!!
ચીન-અમેરિકા વચ્ચે મૈત્રીનો નવો અધ્યાય: 'આપણે હરીફ નહીં પણ ભાગીદાર બનવું જોઈએ' - શી જિનપિંગ

  • બેઇજિંગમાં ટ્રમ્પનું ભવ્ય સ્વાગત; 'થ્યુસીડાઇડ્સ ટ્રેપ' થી બચવા જિનપિંગે આપ્યો સહકારનો મંત્ર
  • ઇલોન મસ્ક, ટિમ કુક સહિતના દિગ્ગજો ટ્રમ્પની સાથે; વેપાર મડાગાંઠ ઉકેલવા સ્થાપાશે 'ટ્રેડ બોર્ડ'
  • ચીની બજારો અમેરિકન કંપનીઓ માટે ખોલવા વિનંતી; રેર મિનરલ્સ અને AI ચિપ્સ પર મોટી સોદાબાજી

સિટી ન્યુઝ @ બેઇજિંગ

વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો, અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં આજે એક ઐતિહાસિક અને વળાંક સમાન દિવસ જોવા મળ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બે દિવસીય પ્રવાસે ચીન પહોંચ્યા છે, જ્યાં બેઇજિંગના પ્રતિષ્ઠિત 'ગ્રીન હાલ ઓફ ધ પીપલ' ખાતે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ બેઠક માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક અને રાજકીય સ્થિરતા પર તેની અસર થવાની સંભાવના છે.

બેઠક દરમિયાન શી જિનપિંગે વૈશ્વિક નેતૃત્વનો પાઠ ભણાવતા કહ્યું હતું કે, "ચીન અને અમેરિકાએ એકબીજાના હરીફ બનવાને બદલે ભાગીદાર બનવું જોઈએ." તેમણે 'થ્યુસીડાઇડ્સ ટ્રેપ' (Thucydides Trap) નામના ઐતિહાસિક સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી હતી કે જો બે મોટી શક્તિઓ ટકરાશે, તો દુનિયા માટે તે વિનાશક સાબિત થશે. જિનપિંગે ભાર મૂક્યો કે બંને દેશોના સહિયારા હિતો તેમના મતભેદો કરતા અનેકગણા મોટા છે. ટ્રમ્પે પણ આ મૈત્રીપૂર્ણ વાતાવરણને વધાવતા જિનપિંગને 'મહાન નેતા' ગણાવ્યા હતા.

આ મુલાકાત વખતે ટ્રમ્પની સાથે અમેરિકાના ટોચના બિઝનેસ દિગ્ગજોનું પ્રતિનિધિમંડળ પણ હાજર છે. ટેસ્લાના ઇલોન મસ્ક, એપલના ટિમ કુક અને એનવીડિયાના જેન્સેન હુઆંગ જેવા સીઈઓ (CEOs) ની હાજરી સૂચવે છે કે ટેક્નોલોજી અને વેપાર આ મુલાકાતના કેન્દ્રમાં છે. ચીન પોતાના AI વિકાસ માટે અમેરિકા પાસેથી હાઈ-ટેક સેમીકન્ડક્ટર ચિપ્સની માંગ કરી રહ્યું છે, જ્યારે અમેરિકાની નજર ચીન પાસે રહેલા રેર મિનરલ્સ (દુર્લભ ખનિજો) પર છે, જે આધુનિક ટેક્નોલોજી માટે અનિવાર્ય છે.

રાજદ્વારી ચર્ચાઓમાં ઈરાન યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવ પર પણ મંથન થયું હતું. ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન તેહરાન પર દબાણ લાવવામાં સક્રિય ભૂમિકા ભજવે. વેપારના ક્ષેત્રમાં જે મડાગાંઠ છે તેને ઉકેલવા માટે બંને દેશોએ એક નવું 'ટ્રેડ બોર્ડ' સ્થાપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત ચીન અમેરિકા પાસેથી વધુ વિમાનો અને કૃષિ પેદાશો ખરીદે તેવા મોટા કરારો પર પણ મહોર વાગે તેવી શક્યતા છે.

અમેરિકામાં થઈ રહેલી ટીકાઓને ફગાવીને ટ્રમ્પે આ મુલાકાતને માનવતાના ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવી છે. આ મુલાકાતથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે લાંબા સમયથી ચાલી રહેલી વ્યાપારિક યુદ્ધ (Trade War) જેવી સ્થિતિનો અંત આવશે અને બંને દેશો વિકાસના નવા માર્ગે આગળ વધશે.