Loading Please Wait !!!
રાત્રે નૂડલ્સ ખાધી અને આખો પરિવાર સવારે ઊંઘમાં જ સમેટાઈ ગયો!

 

  • ઘરમાંથી એકબીજાને ભેટીને સૂતેલા પાંચ મૃતદેહ મળ્યા.

  • પતિ-પત્ની અને ત્રણ બાળકોના શંકાસ્પદ મોત થયા.

  • પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા સેવાઈ રહી.

સિટી ન્યુઝ @ ગ્રેટર નોઈડા

ગ્રેટર નોઈડાના રબૂપુરા કોતવાલી વિસ્તારના નંગલા શ્રીપદમ ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં ઘરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં મહેશ (૩૭), પત્ની લલિતા (૩૫) અને તેમના ત્રણ સગીર બાળકો લડ્ડુ (૧૧), મિષ્ટી (૭) તથા સાક્ષત (૩) નો સમાવેશ થાય છે. શનિવારે સવારે લાંબા સમય સુધી દરવાજો ન ખુલ્લતા પાડોશીઓને શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે પિતા પોતાના મોટા પુત્રને વળગીને અને માતા બાળકો પર હાથ રાખીને પથારીમાં બેભાન હાલતમાં સૂતેલા જોવા મળ્યા હતા, અને તેમના મોંમાંથી ફીણ પણ નીકળી રહ્યું હતું. તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ઘટના ફૂડ પોઈઝનિંગ કે ઝેરી ખોરાક ખાવાથી થઈ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતક મહેશની માતાના જણાવ્યા અનુસાર પરિવારે રાત્રે સૂતા પહેલાં નૂડલ્સ બનાવીને ખાધી હતી, જેના કારણે આ હોનારત સર્જાઈ હોવાની ચર્ચા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફોરેન્સિક ટીમે રસોડામાંથી વધેલી નૂડલ્સનું વાસણ કબજે કરીને તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યું છે. પોલીસ માત્ર ફૂડ પોઈઝનિંગ જ નહીં પરંતુ આત્મહત્યા સહિતના તમામ એંગલથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ઘટનાસ્થળના હૃદયદ્રાવક દ્રશ્યોએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે, અને એક જ પરિવારના પાંચેય સભ્યોના અચાનક મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો અને સગા-સંબંધીઓમાં પણ આ દુર્ઘટનાને લઈને ભારે ગમગીની છવાઈ છે. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

આ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આત્મહત્યા છે કે કોઈ ગંભીર સાજીશ કે પછી ખાણી-પીણીની જીવલેણ અસર, તે તમામ પાસાઓ પર ફોરેન્સિક અને પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે.

ખાટલા પર ભેટીને સૂતેલા પરિવારની કરુણ કહાની!

ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ-પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ પથારીમાં એકબીજાને ભેટેલી હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ મામલો ફૂડ પોઈઝનિંગનો લાગે છે, પરંતુ પોલીસે રસોડામાંથી નૂડલ્સના નમૂના કબજે કરીને આત્મહત્યા સહિતના તમામ એંગલથી સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.