ભાજપના ભીષ્મ પિતામહ અડવાણીજીની તબિયત અચાનક લથડી!
-
શ્વસન સંબંધિત સમસ્યા અને ઇન્ફેક્શન બાદ સારવાર શરૂ.
-
એપોલો હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગમાં તબીબી દેખરેખ હેઠળ.
-
ડોક્ટરોના જણાવ્યા મુજબ અડવાણીની તબિયત હાલ સ્થિર.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં શુક્રવારે સાંજે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૯૮ વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ સાંજે આશરે ૭:૩૦ વાગ્યે હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તેમની તબિયત સ્થિર છે અને તેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે. વર્ષ ૧૯૨૭માં જન્મેલા લાલકૃષ્ણ અડવાણી ભાજપના સ્થાપક સભ્યોમાં મોખરે છે અને તેમણે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ગૃહમંત્રી તેમજ ૭મા નાયબ વડાપ્રધાન તરીકે સેવાઓ આપી છે. વર્ષ ૧૯૯૦માં રામ મંદિર આંદોલન માટે સોમનાથથી અયોધ્યા સુધી કાઢવામાં આવેલી તેમની ઐતિહાસિક રથયાત્રાએ ભારતીય રાજકારણમાં અને ભાજપના ઈતિહાસમાં આમૂલ પરિવર્તન લાવી દીધું હતું.
રથયાત્રાના નાયક અડવાણી હાલ તબીબોની દેખરેખ હેઠળ!
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને શ્વસન સંબંધિત સમસ્યા અને છાતીમાં ઇન્ફેક્શનના કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૯૮ વર્ષીય અડવાણીની તબિયત હાલ સ્થિર છે અને ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.