E-20 પેટ્રોલ મામલે સરકાર 'યુ-ટર્ન' લેવાના મૂડમાં
-
જૂના વાહનોના એન્જિનને નુકસાન અટકાવવા E-10 પેટ્રોલનો વિકલ્પ આપવા વિચારણા
-
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્વરને સરકાર સમક્ષ કરી મહત્વની ભલામણ
-
દેશમાં 7.5 થી 8 કરોડ જૂના ટૂ-વ્હીલર માત્ર E-10 ફ્યુઅલ માટે સુસંગત
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશભરમાં ફરજિયાત E-20 પેટ્રોલના વેચાણ સામે ઊભા થયેલા વિવાદ અને વાહન માલિકોની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર હવે પોતાની નીતિમાં ફેરફાર કરી પીછેહઠ કરે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્વરનની ભલામણ બાદ સરકાર E-20 ની સાથોસાથ જૂના વાહનો માટે E-10 પેટ્રોલનું વેચાણ પણ ચાલુ રાખવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. જૂના વાહનોના એન્જિનને E-20 ઇંધણથી થતા સંભવિત નુકસાનમાંથી બચાવવા માટે આ વિકલ્પ આપવા ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગેની ચર્ચા હાલ પ્રાથમિક તબક્કામાં છે અને તેમાં ટેકનિકલ પાસાંઓ તેમજ સપ્લાય ચેઇન વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ગ્રાહકોને તેમની જરૂરિયાત અને વાહનની સુસંગતતા મુજબ ઇંધણ પસંદ કરવાની સુવિધા આપવા પર ભાર મુકાઈ રહ્યો છે. દેશમાં 20% ઇથેનોલ મિશ્રિત E-20 પેટ્રોલ લાગુ થયા બાદ જૂના વાહનો, ખાસ કરીને દ્વિચક્રી વાહનોના માલિકો લાંબા સમયથી એન્જિન કાર્યક્ષમતા અને આયુષ્ય ઘટવાની ફરિયાદો કરી રહ્યા છે.
મુખ્ય આર્થિક સલાહકારે ધ્યાન દોર્યું હતું કે ભારતમાં હાલ અંદાજે 7.5 થી 8 કરોડ એવા દ્વિચક્રી વાહનો રોડ પર દોડી રહ્યા છે જે મૂળભૂત રીતે E-10 ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું હતું કે E-10 નો વિકલ્પ ફરી શરૂ કરવાની કોઈ યોજના નથી, પરંતુ વાહનચાલકોની વધતી નારાજગીને પગલે હવે સરકાર સમાધાનકારી રસ્તો શોધવા મજબૂર બની છે.
જોકે, દેશભરના પેટ્રોલ પંપો પર E-10 અને E-20 બંને ઇંધણનું એકસાથે વિતરણ કરવામાં કેટલીક વ્યવહારુ અડચણો પણ રહેલી છે. અલગ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક, ડિસ્પેન્સિંગ યુનિટ અને પરિવહન વ્યવસ્થા ગોઠવવાથી ઓઇલ કંપનીઓ અને ડીલરો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે. સરકાર આ તમામ પડકારોનું મૂલ્યાંકન કર્યા બાદ ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેશે.
E-20 સાથે E-10 પેટ્રોલનો વિકલ્પ આપવા વિચારણા
દેશમાં E-20 પેટ્રોલથી 8 વર્ષ જૂના વાહનોને થતા નુકસાનને ધ્યાને રાખી સરકાર E-10 પેટ્રોલનો વિકલ્પ આપવા વિચારણા કરી રહી છે. મુખ્ય આર્થિક સલાહકારની ભલામણ મુજબ દેશના 8 કરોડ જૂના ટૂ-વ્હીલર્સ E-10 માટે જ સુસંગત છે. સરકાર અને ઓટો ઉદ્યોગ વચ્ચે ચર્ચા ચાલી રહી છે, જોકે પંપો પર બંને ફ્યુઅલ માટે અલગ સ્ટોરેજ વ્યવસ્થા કરવી મોટો પડકાર છે.