"રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવનાર સામે લાલ આંખ: ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ FIR"
- IOCL ના અધિકારીએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ - 'પૂરતો જથ્થો હોવા છતાં ખોટા નિવેદનો આપી પેનિક સર્જ્યું'
- IOCL ભવનની બહાર નીકળી મીડિયામાં વિપરીત નિવેદનો આપવા પડ્યા ભારે - આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ તપાસ શરૂ
- 40-50 ડીલરો સાથે IOCL ભવન પહોંચ્યા અને બહાર આવી કહ્યું 'પંપો ડ્રાય થઈ ગયા' - પોલીસે શરૂ કરી કડક કાર્યવાહી
છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડ્યું હોવાની જે અફવાઓ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વહેતી થઈ હતી, તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં આવી છે. આ મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના અધિકારી દ્વારા રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અધિકારીની ચેમ્બરમાં કંઈક અલગ અને બહાર કંઈક અલગ! ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, 23 માર્ચના રોજ સવારે ગોપાલ ચુડાસમા 40 થી 50 ડીલરો સાથે IOCL ભવન પહોંચ્યા હતા. ત્યાં સેલ્સ હેડ અમીત જયસ્વાલે તેઓને સ્પષ્ટ આંકડા સાથે જણાવ્યું હતું કે કંપની પાસે ઇંધણનો પૂરતો જથ્થો છે અને સપ્લાય રેગ્યુલર છે. જોકે, ઓફિસમાંથી બહાર નીકળતા જ ગોપાલ ચુડાસમાએ મીડિયા સમક્ષ તદ્દન વિપરીત નિવેદનો આપીને દાવો કર્યો હતો કે પંપો 'ડ્રાય' થઈ ગયા છે.
હર્ષ સંઘવીની ચેતવણી બાદ એક્શન ગઈકાલે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પેટ્રોલ-ડીઝલની અછત અંગે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં જ્યારે દેશ અને રાજ્ય સરકાર વિતરણ વ્યવસ્થા જાળવવા મથી રહી છે, ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ ખોટી માહિતી આપી અરાજકતા ફેલાવી શકે નહીં.
પેનિક સર્જીને અરાજકતા ફેલાવવાનું કૃત્ય આ ખોટા નિવેદનોને કારણે રાજકોટના નાગરિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો કામધંધો છોડીને પંપો પર લાઈનમાં ઊભા રહી ગયા હતા. IOCL ના અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે કંપની પાસે જથ્થો છે ત્યારે આવી અફવાઓ વિતરણ વ્યવસ્થામાં અડચણ ઉભી કરે છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે ગુનો નોંધી ગોપાલ ચુડાસમા અને તેની સાથે જોડાયેલા અન્ય શખ્સોની તપાસ હાથ ધરી છે.
તંત્રની અપીલ: રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને ખાતરી આપી છે કે ઇંધણનો પૂરતો જથ્થો છે. લોકોએ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને પંપો પર ભીડ ન કરવી.