Loading Please Wait !!!
ક્રિકેટ કે વીડિયો ગેમ? 50 ઓવરમાં 822 રન અને 794 રનથી જીત

  • ઝિમ્બાબ્વેના ડોમેસ્ટિક ક્રિકેટમાં સ્કોર્પિયન ક્લબનું તોફાન; એક જ મેચમાં ટ્રિપલ અને ડબલ સેન્ચુરી
  • મેથેન લાયન્સની ટીમ માત્ર 28 રનમાં ઢેર; તાકુંડા માડેમ્બોના 143 બોલમાં 302 રન
  • 79 વાઈડ અને 23 નો-બોલની લ્હાણી; ઝિમ્બાબ્વેની ધરતી પર ચોગ્ગા-છગ્ગાની આંધી

સિટી ન્યુઝ 

ઝિમ્બાબ્વેના ડોમેસ્ટિક ક્રિકેટમાં એક એવી મેચ રમાઈ છે જેણે ક્રિકેટ જગતના તમામ સ્થાપિત રેકોર્ડ્સને હચમચાવી દીધા છે. સ્કોર્પિયન ક્રિકેટ ક્લબે મેથેન લાયન્સ સામેની મેચમાં નિર્ધારિત 50 ઓવરમાં 822 રનનો અકલ્પનીય સ્કોર બનાવીને સૌને ચોંકાવી દીધા છે. આ મેચમાં રનનો એવો વરસાદ થયો કે સામેની ટીમ મેથેન લાયન્સ માત્ર 28 રન બનાવી શકી અને પરિણામે સ્કોર્પિયન ક્લબનો 794 રનના વિશાળ અંતરથી વિજય થયો હતો. જો આ મેચને સત્તાવાર લિસ્ટ-એનો દરજ્જો પ્રાપ્ત હોત, તો આ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સત્તાવાર સ્કોર બની ગયો હોત.

સ્કોર્પિયન ક્લબના કેપ્ટન પ્રેઝ મકાઝાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને ત્યારબાદ મેદાન પર માત્ર તોફાન જોવા મળ્યું હતું. ઓપનર વિલ્ફ્રેડ માટેન્ડે અને તાકુંડા માડેમ્બોએ શરૂઆતથી જ બોલરોની કતલ શરૂ કરી હતી. માટેન્ડેએ માત્ર 75 બોલમાં 23 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 203 રન ફટકારી દીધા હતા. જોકે, અસલી તબાહી તાકુંડા માડેમ્બોએ મચાવી હતી, જેણે માત્ર 143 બોલમાં 50 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 302 રન બનાવીને ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. આ સિવાય ગેબ્રિયલ જાયાએ પણ માત્ર 49 બોલમાં અણનમ 110 રન ઠોકી દીધા હતા.

મેચમાં બેટ્સમેનો જેટલો જ ફાળો મેથેન લાયન્સના બોલરોનો પણ રહ્યો હતો, જેમણે શિસ્ત વગરની બોલિંગ કરીને કુલ 108 એક્સ્ટ્રા રન ભેટમાં આપ્યા હતા. જેમાં 79 વાઈડ અને 23 નો-બોલ સામેલ હતા. લાયન્સના દરેક બોલરે 100 થી વધુ રન લુટાવ્યા હતા. સૌથી સફળ મનાતા બોલર સિડની શુમ્બાનો ઈકોનોમી રેટ પણ ઓવર દીઠ 13.3 રન રહ્યો હતો, જે દર્શાવે છે કે બોલરો પાસે બેટ્સમેનોને રોકવા માટે કોઈ પ્લાન નહોતો.

પહેલી ઇનિંગમાં બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન લાગતી પિચ બીજી ઇનિંગમાં મેથેન લાયન્સ માટે નરક સાબિત થઈ હતી. 823 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લાયન્સની ટીમ માત્ર 7.5 ઓવરમાં 28 રન બનાવીને 7 વિકેટ ગુમાવી ચુકી હતી, જે બાદ મેચને ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. 794 રનનો આ પરાજય ક્રિકેટના મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ મેચ જોઈને પ્રશંસકો અને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે કે શું આ આધુનિક ક્રિકેટની નવી વાસ્તવિકતા છે.

ઝિમ્બાબ્વેની આ મેચ બાદ ભારતનો ડોમેસ્ટિક રેકોર્ડ પણ ચર્ચામાં આવ્યો છે. હાલમાં સત્તાવાર લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બિહારના નામે છે, જેણે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 574 રન બનાવ્યા હતા. પરંતુ આ બિનસત્તાવાર મેચમાં જે પ્રકારે 822 રન બન્યા છે, તેણે સાબિત કરી દીધું છે કે હવે ક્રિકેટમાં કોઈ પણ સ્કોર અશક્ય રહ્યો નથી. આગામી સમયમાં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં બેટ્સમેનોનું વર્ચસ્વ ક્યાં સુધી જશે તે જોવું રસપ્રદ રહેશે.