Loading Please Wait !!!
ચોટીલા હાઈવે પર બર્નિંગ બસનો કહેર: 4 મુસાફરો જીવતા ભડથું, અન્ય 10 ઈજાગ્રસ્ત

ડામર ભરેલા ટેન્કર સાથે લક્ઝરી બસ અથડાતા સર્જાઈ ભયાનક આગ; મુસાફરોની ઓળખ માટે DNA ટેસ્ટ જ એકમાત્ર રસ્તો

ટાયર ફાટતા ઉભેલા ડમ્પર પાછળ બસ ઘૂસી ગઈ; બારીમાંથી કુદેલા મુસાફરો ગરમ ડામર પર પડ્યા

મણીપુરમાં ફરજ બજાવતા નરેન્દ્રભાઈ રાઠોડે દાઝ્યા હોવા છતાં અન્ય મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા

સિટી ન્યુઝ @ ચોટીલા 

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી રાજકોટ જતી મધુરમ કંપનીની ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે મૃતકોના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવા માટે હવે DNA ટેસ્ટનો સહારો લેવો પડશે. આ અકસ્માતમાં અન્ય 10 મુસાફરો ગંભીર રીતે દાઝ્યા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા તે ઉભું રહી ગયું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણને કારણે બસમાં શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બચવાની તક મળે તે પહેલા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મુસાફરોએ જીવ બચાવવા કાચ તોડી કુદકા માર્યા હતા, જેમાંના કેટલાક નીચે ઢોળાયેલા ગરમ ડામર પર પડતા ગંભીર રીતે દાઝ્યા હતા.

આ દુર્ઘટનામાં અમદાવાદના ઇસ્કોનથી બેસીને જૂનાગઢ જઈ રહેલા જબ્બારભાઈ ખિંચી (60 વર્ષ) અને તેમના પત્ની નસુબેન ખિંચી (55 વર્ષ) ના કરુણ મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સગાઓ દ્વારા રાજકોટની તમામ હોસ્પિટલોમાં તપાસ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. આ ઉપરાંત અન્ય ઈજાગ્રસ્તોમાં વિધિ પટોડીયા (18 વર્ષ, મેંદરડા), નરેન્દ્ર રાઠોડ (50 વર્ષ, લીંબડી) અને નાગરાજ રાણા (30 વર્ષ, તાલાળા) નો સમાવેશ થાય છે, જેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માત દરમિયાન માનવતા અને બહાદુરીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રજા પર આવેલા અને આસામના મણીપુરમાં ફરજ બજાવતા BSF જવાન નરેન્દ્રભાઈ રાઠોડ પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં બારીનો કાચ તોડી બહાર નીકળ્યા હતા અને અન્ય અનેક મુસાફરોને બસમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક પેટ્રોલ પંપના કર્મચારી અજય મેવાડાએ પણ કાચ તોડીને 20 થી 25 મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી, જોકે 4 મુસાફરો ફસાઈ જવાથી તેમને બચાવી શકાયા ન હતા.

ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે અકસ્માત બાદ વહીવટી તંત્ર અને ફાયર વિભાગે તુરંત કામગીરી હાથ ધરી હતી અને 35 થી 40 મુસાફરોનો બચાવ થયો હતો. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો હતો કે હાઈવે પર બંધ પડેલા વાહનો પાછળ રેડિયમ પટ્ટી કે યોગ્ય સંકેતો ન હોવાને કારણે આવા અકસ્માતો સર્જાય છે. હાલમાં તમામ મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ રાખવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.