Loading Please Wait !!!
જામનગરમાં ડિમોલિશન દરમિયાન રણમેદાન જેવી સ્થિતિ, વૃદ્ધ દંપતી અને પોલીસ વચ્ચે ઝપાઝપી

  • 3.5 કરોડની જમીન ખુલ્લી કરાવવા ગયેલા તંત્રનો ભારે વિરોધ; મકાન તોડવા સામે વૃદ્ધા જેસીબી આડે સૂઈ ગયા
  • અમે અહીંથી ઉઠવાના નથી, જે કરવું હોય એ કરો’, જામનગર મનપા સામે ગરીબ પરિવારોનો આક્રોશ
  • જામનગરમાં મેગા ડિમોલિશન: કરોડોની જમીન પચાવી પાડનારા 6 દબાણો પર ચાલ્યું બુલડોઝર

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની હાથ ધરવામાં આવેલી ઝુંબેશ આજે હિંસક વળાંક લેતા રણમેદાન જેવું દૃશ્ય સર્જાયું હતું. અંદાજે 3.5 કરોડની બજાર કિંમત ધરાવતી 8 હજાર ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા પહોંચેલા તંત્રને સ્થાનિકોના આકરા વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. આ કામગીરી દરમિયાન 40 વર્ષથી ત્યાં રહેતા એક વૃદ્ધ દંપતી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમે 6 જેટલી પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દીધું હતું. જેમાં 3 રહેણાક મકાન, 2 કોમર્શિયલ દુકાન અને 1 ખુલ્લા વંડાનો સમાવેશ થાય છે. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ બાંધકામો ગેરકાયદેસર હતા અને અનેકવાર સૂચના આપવા છતાં ખાલી ન કરવામાં આવતા આખરે ડિમોલિશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામગીરીથી અંદાજે 7 થી 8 હજાર ચોરસ ફૂટની કિંમતી સરકારી જમીન સંપાદિત કરવામાં આવી છે.

ડિમોલિશન દરમિયાન સૌથી હૃદયદ્રાવક દૃશ્યો 40 વર્ષથી આ વિસ્તારમાં સ્થાયી થયેલા નંદુબેન નામના વૃદ્ધાના ઘર પાસે જોવા મળ્યા હતા. રડતી આંખે નંદુબેને જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલા મજૂરી કરીને, એક-એક રૂપિયો ભેગો કરીને તેમણે આ ઘર બનાવ્યું હતું. પરિવારમાં કમાનાર પુત્રના અવસાન બાદ હવે તેઓ વૃદ્ધ દંપતી, પુત્રવધૂ અને બે પૌત્રો સાથે અહીં રહેતા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્રએ પૂરતી જાણકારી આપ્યા વગર અચાનક આવીને આ કાર્યવાહી કરી છે.

જ્યારે જેસીબી મશીન મકાન તોડવા માટે આગળ વધ્યું, ત્યારે વૃદ્ધ દંપતી મશીનની સામે આડા સૂઈ ગયા હતા અને ‘અમે અહીંથી ઉઠવાના નથી’ તેવી હઠ પકડી હતી. પરિસ્થિતિ વણસતી જોઈ મહિલા પોલીસ અને નંદુબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે આખરે બળપ્રયોગ કરી વૃદ્ધાની અટકાયત કરી હતી અને તેમને સ્થળ પરથી હટાવ્યા હતા.

આ અચાનક આવેલી આફતને કારણે અનેક પરિવારો રસ્તા પર આવી ગયા હતા. લોકો પોતાની આખી જિંદગીની મહેનત અને ઘરવખરીનો સામાન રસ્તા પર કાઢીને લાચાર નજરે પોતાનું સપનું તૂટતું જોઈ રહ્યા હતા. તંત્રની આ આકરી કામગીરી બાદ જડેશ્વર પાર્ક વિસ્તારમાં હજુ પણ તનાવભરી શાંતિ જોવા મળી રહી છે અને કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.