વાંકાનેરના સરતાનપર રોડ પર કારખાનામાં આગ, બે પ્રેસ મશીન બળીને ખાખ
- લેમઝોન સિરામિકમાં રાત્રિના સમયે ભભૂકી આગ; ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ મેળવ્યો કાબૂ
- પ્રેસ વિભાગમાં અચાનક આગ લાગતા મચી દોડધામ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં
- જયેશભાઈ ડાકી સહિતની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી; રાત્રિના સમયે સર્જાઈ ઘટના
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા હેઠળ આવતા સરતાનપર રોડ પર આવેલા લેમઝોન સિરામિક નામના કારખાનામાં બુધવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ આગને કારણે કારખાનાના પ્રેસ વિભાગમાં રહેલા કરોડોની કિંમતના બે પ્રેસ મશીન સહિત અન્ય કિંમતી મશીનરી અને કાચા માલસામાનને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ શ્રમિક કે કર્મચારીને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રિના અંદાજે 9 વાગ્યાના અરસામાં કારખાનાના પ્રેસ વિભાગમાં અચાનક જ કોઈ અજ્ઞાત કારણોસર આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા જ કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે તુરંત જ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી અને તેમની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો અને જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ લાગી હતી તે યુનિટમાં સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત અને કવાયત બાદ આગને કાબૂમાં લેવામાં ફાયર ટીમને સફળતા મળી હતી.
ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આગ મુખ્યત્વે પ્લાન્ટના પ્રેસ વિભાગમાં લાગી હતી. ફાયર ટીમે સમયસર પહોંચીને આગને અન્ય વિભાગોમાં પ્રસરતી અટકાવી દીધી હતી, જેના કારણે મોટું નુકસાન ટળી શક્યું હતું. તેમ છતાં, આગની તીવ્રતા એટલી હતી કે ત્યાં રાખવામાં આવેલા બે મુખ્ય પ્રેસ મશીન અને તેને સંલગ્ન અન્ય મશીનરી આગની લપેટમાં આવી જતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી.
કારખાનાના સંચાલકોના જણાવ્યા મુજબ, આગને કારણે થયેલા નુકસાનનો આંકડો મોટો હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા મશીનરીમાં કોઈ ખામીને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં ઘટનાસ્થળે પંચનામું અને નુકસાનના આંકલન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.