મોંઘવારીની આગમાં સળગતું જીવન : મુંબઈમાં CNGના ભાવમાં રૂ. 2નો વધારો
સિટી ન્યૂઝ@મુંબઈ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકો માટે મોંઘવારીનો વધુ એક ડામ મામલે સમાચાર સામે આવ્યા છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો દીઠ ૨ નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં સીએનજીની કિંમત હવે ૮૪ પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
મહાનગર ગેસ લિમિટેડે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ઉત્પાદન ખર્ચ અને કાર્યકારી ખર્ચમાં થયેલા ફેરફારને કારણે કિંમતોમાં સુધારો કરવો પડ્યો છે. અગાઉ, મુંબઈમાં સીએનજીની કિંમત ૮૨ પ્રતિ કિલો હતી, જે હવે વધીને ૮૪ થઈ ગઈ છે. આ ભાવ વધારો મુંબઈ શહેરની સાથે સાથે થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા વિસ્તારોમાં પણ લાગુ પડશે. ભારતમાં મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકો માટે સીએનજી એ પેટ્રોલ અને ડીઝલનો એક સસ્તો વિકલ્પ માનવામાં આવે છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવમાં સમયાંતરે થતા વધારાને કારણે વાહન ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાસ કરીને જે લોકો દરરોજ લાંબું અંતર કાપીને નોકરી કે વ્યવસાય માટે જાય છે, તેમના માસિક બજેટ પર આ ૨ રૂપિયાનો વધારો પણ મોટી અસર કરશે. મુંબઈની જીવાદોરી ગણાતી કાળી-પીળી રીક્ષા અને ટેક્સીઓ સંપૂર્ણપણે સીએનજી પર ચાલે છે. આ ભાવ વધારાની સૌથી સીધી અસર આ ચાલકો પર પડશે. ટેક્સી અને રીક્ષા યુનિયનના નેતાઓનું કહેવું છે કે ગેસના ભાવ વધવા છતાં ભાડામાં વધારો કરવામાં આવતો નથી, જેના કારણે ચાલકોની દૈનિક કમાણી ઘટી રહી છે.