Loading Please Wait !!!
ડોલર કરતાં ત્રણ ગણી ભારતીય નોટો ચલણમાં: RBI નો દાવો

 

  • ડિજિટલ યુગમાં પણ રોકડ સદાબહાર: દેશમાં 176 અબજ નોટો સરક્યુલેશનમાં

  •  RBI ડેપ્યુટી ગવર્નર શિરીષચંદ્ર મુર્મુએ આપી ચલણી નોટોના સરક્યુલેશનની વિગતો

  • વાર્ષિક સરેરાશ 21 અબજ જૂની અને ખરાબ નોટો રદ્દી તરીકે પાછી ખેંચાય છે

  • ડિજિટલ પેમેન્ટ વધવા છતાં કરન્સી નોટોની માંગમાં ડબલ ડિજિટ ગ્રોથ

સિટી ન્યુઝ @ મુંબઈ

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન પેમેન્ટમાં થયેલા જંગી વધારા વચ્ચે પણ રોકડ વ્યવહારોનો દબદબો યથાવત્ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના જણાવ્યા મુજબ, દેશમાં ચલણી નોટોનું સરક્યુલેશન સતત વધી રહ્યું છે અને તે વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલર કરતાં ત્રણ ગણું તેમજ યુરો કરતાં છ ગણું વધારે થઈ ચૂક્યું છે.

કેશ મેનેજમેન્ટ કોન્ફરન્સમાં માહિતી આપતાં RBI ના ડેપ્યુટી ગવર્નર શિરીષચંદ્ર મુર્મુએ જણાવ્યું હતું કે, ભારતમાં હાલ 176 અબજ બેંકનોટ ચલણમાં છે. તેની સરખામણીએ વૈશ્વિક સ્તરે અમેરિકાના 56 અબજ ડોલર અને 30 અબજ યુરો નોટ સરક્યુલેશનમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેંક વાર્ષિક ધોરણે જુદા જુદા મૂલ્યની 28 થી 30 અબજ નવી ચલણી નોટો બજારમાં મૂકે છે, જ્યારે સરેરાશ 21 અબજ જૂની અને ક્ષતિગ્રસ્ત નોટો સિસ્ટમમાંથી પાછી ખેંચીને રદ્દીમાં મોકલવામાં આવે છે.

ચલણી નોટોની વાર્ષિક જરૂરિયાત જીડીપી વૃદ્ધિ દર, ફુગાવો અને વ્યાજદર જેવા પરિબળો પર આધાર રાખે છે. ડિજિટલ પેમેન્ટના ઝડપી પ્રસાર છતાં રોકડની કુલ માંગમાં દર વર્ષે ડબલ ડિજિટમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી પાંચ વર્ષની રોકડ જરૂરિયાતોનું આગોતરું આયોજન કરવું વધુ પડકારજનક બન્યું છે. નોટોની છપાઈ પાછળ થતો મોટો ખર્ચ ઘટાડવા અને નોટોનું આયુષ્ય લંબાવવા માટે RBI હવે પોલીમર (પ્લાસ્ટિક) નોટો ચલણમાં લાવવાની દિશામાં કામ કરી રહી છે.

દેશમાં સરકાર અને RBI હસ્તકના ચાર કરન્સી પ્રિન્ટિંગ પ્રેસમાં આ નોટો છાપવામાં આવે છે, જેમાં પેપર મિલ અને ખાસ શાહી બનાવવાની ફેક્ટરીઓ પણ સામેલ છે. વર્ષ 1999 માં અમલી બનેલી 'ક્લીન નોટ પોલિસી' હેઠળ નાગરિકોને સુઘડ અને નવી નોટો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. રિઝર્વ બેંક પોતાની 19 પ્રાદેશિક કચેરીઓ, કરન્સી ચેસ્ટ નેટવર્ક, બેંક શાખાઓ અને દેશભરના આશરે 2.5 લાખ એટીએમ દ્વારા પ્રજા સુધી રોકડ પહોંચાડે છે.

ડોલર કરતાં ભારતીય નોટોનું સરક્યુલેશન વધુ

ભારતમાં ડિજિટલ યુગમાં પણ રોકડ વ્યવહારો મજબૂત રહ્યા છે. હાલમાં ₹176 અબજ ચલણી નોટો સરક્યુલેશનમાં છે, જે અમેરિકી ડોલર કરતાં 3 ગણી અને યુરો કરતાં 6 ગણી વધારે છે. RBI દર વર્ષે 28 થી 30 અબજ નવી નોટો છાપે છે અને 21 અબજ રદ્દી નોટો પાછી ખેંચે છે. નોટોનું આયુષ્ય વધારવા માટે હવે પોલીમર નોટો લાવવા વિચારણા ચાલી રહી છે.