લોન સ્પ્રેડ 3 વર્ષ સુધી સ્થિર રાખવા RBI નો નવો ડ્રાફ્ટ
-
બેન્ચમાર્ક રેટ અને લોન સ્પ્રેડ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી રાખવો પડશે સ્થિર
-
વ્યાજની ગણતરી દરરોજ ઘટતા બેલેન્સના આધારે દર મહિને એકસરખી રીતે થશે
-
ક્રેડિટ રિસ્ક પ્રીમિયમમાં ફેરફાર ગ્રાહકની પ્રોફાઇલ બદલાવા પર જ શક્ય બનશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોનધારકોના હિતનું રક્ષણ કરવા અને પારદર્શિતા વધારવા માટે બેંકો તથા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) માટે એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ જારી કર્યો છે. નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર, હવે કોઈપણ બેંક કે ધિરાણ આપતી સંસ્થા પોતાની મરજી મુજબ લોન સ્પ્રેડ (બેન્ચમાર્ક રેટથી ઉપર વસૂલવામાં આવતો વધારાનો નફો) માં વારંવાર ફેરફાર કરી શકશે નહીં. અવારનવાર બેંકો નવા ગ્રાહકોને આકર્ષવા સસ્તા વ્યાજદરો ઓફર કરતી હોય છે, જ્યારે જૂના ગ્રાહકો ઊંચા દરે લોન ચૂકવતા રહે છે. આ ભેદભાવ દૂર કરવા માટે બેંકોએ સ્પ્રેડને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સ્થિર રાખવો પડશે.
પ્રસ્તાવિત નિયમો હેઠળ તમામ લોન આપતી સંસ્થાઓ માટે વ્યાજ ગણતરીની સમાન પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે. હવે વ્યાજની આકારણી દર મહિને થશે અને તેની ગણતરી દૈનિક ધોરણે ઘટતા બેલેન્સ (Daily Reducing Balance) ના આધારે વર્ષના વાસ્તવિક દિવસોને ધ્યાનમાં રાખીને જ કરાશે. ફ્લોટિંગ રેટ વાળી લોન માટે તમામ મુખ્ય બેંકોએ સમગ્ર લોનગાળા દરમિયાન દર 3 મહિને ઓછામાં ઓછી 1 વાર વ્યાજદરોની ફરજિયાત સમીક્ષા કરવી પડશે, તેમજ એડમિનિસ્ટ્રેશન ચાર્જ જેવા વધારાના ઘટકોને પણ 3 વર્ષ સુધી બદલી શકાશે નહીં.
ગ્રાહકોના જોખમ આધારે નક્કી થતા ક્રેડિટ રિસ્ક પ્રીમિયમમાં ફેરફાર માત્ર ત્યારે જ કરી શકાશે જ્યારે ગ્રાહકની ક્રેડિટ હિસ્ટ્રી કે પ્રોફાઇલમાં મોટો બદલાવ આવ્યો હોય. આ સિવાયના વ્યાજના અન્ય ભાગોમાં લોન લીધાના અથવા છેલ્લે રેટ રિવાઇઝ થયાના 3 વર્ષ પછી જ વધારો કરી શકાશે. જોકે, બેંકો પોતાના જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે સ્વેચ્છાએ વ્યાજદરો ઘટાડી શકશે, પરંતુ તેનાથી કોઈપણ ગ્રાહક સાથે ભેદભાવ થવો જોઈએ નહીં અને નક્કી કરેલા બેન્ચમાર્ક કરતાં ઓછો રેટ ઓફર કરી શકાશે નહીં.
વાણિજ્યિક બેંકો માટે પર્સનલ અને MSME લોનને રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ જેવા એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડેલી રાખવાની રહેશે. બીજી તરફ, બેંકોના આંતરિક બેન્ચમાર્ક એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR) ની ગણતરી છેલ્લા 3 મહિનામાં એકત્રિત થાપણો અને લીધેલી લોનની સરેરાશ પડતરના આધારે કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા કરવાની રહેશે જેથી કોઈ ગેરરીતિ ન થાય. NBFCs, કો-ઓપરેટિવ અને ગ્રામીણ બેંકોને લોનને બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડવાની સ્વતંત્રતા અપાઈ છે.
નાના શહેરોની આર્થિક સંસ્થાઓને નિયમોમાં અમુક અંશે રાહત આપવામાં આવી છે. જે સહકારી બેંકો પાસે 1,000 કરોડ રૂપિયા સુધીની થાપણો છે અથવા નાની NBFCs છે, તેમને 3 મહિનાવાળી ત્રિમાસિક સમીક્ષા અને 3 વર્ષ સુધી વ્યાજદર સ્થિર રાખવાના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત બેંકોએ હવેથી લોન એગ્રીમેન્ટ અને દસ્તાવેજોમાં બેન્ચમાર્ક નક્કી કરવાની પદ્ધતિ, વ્યાજદર બદલાવાની તારીખ અને સમયગાળો સ્પષ્ટપણે દર્શાવવો પડશે.
લોન સ્પ્રેડ 3 વર્ષ સુધી સ્થિર રહેશે
RBI ના નવા ડ્રાફ્ટ મુજબ બેંકો લોન સ્પ્રેડમાં મનસ્વી રીતે ફેરફાર કરી શકશે નહીં અને તેને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સ્થિર રાખવો પડશે. વ્યાજની ગણતરી દરરોજ ઘટતા બેલેન્સ મુજબ દર મહિને થશે. ફ્લોટિંગ રેટ લોનની દર 3 મહિને સમીક્ષા કરવી પડશે. 1,000 કરોડ સુધીની થાપણવાળી નાની સંસ્થાઓને નિયમોમાંથી મુક્તિ મળી છે.