નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકારની ખાસ યોજના: ₹90,000 સુધીની ગેરંટી ફ્રી લોન મળશે!
-
જૂન 2020 માં શરૂ થયેલી આ યોજનાનો સમયગાળો માર્ચ 2030 સુધી લંબાવાયો.
-
પ્રથમ તબક્કામાં ₹15,000, બીજામાં ₹25,000 અને ત્રીજામાં ₹50,000 લોન મંજૂર થશે.
-
યોજનાના કુલ લાભાર્થીઓમાં 40 ટકા જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવા કે વિસ્તારવા માંગતા નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓ માટે કેન્દ્ર સરકારની ખાસ 'PM સ્વનિધિ યોજના' અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. મોદી સરકાર દ્વારા ખાસ કરીને રેકડી, ફૂટપાથ કે નાનો સ્ટોલ લગાવીને સામાન વેચતા વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ હવે કોઈ પણ ગેરંટી વિના ₹90,000 સુધીની આર્થિક લોન પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત યોજના હેઠળ મફત રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે.
કોરોના મહામારી દરમિયાન રોજગાર ગુમાવનારા નાના વેપારીઓને પગભર કરવાના હેતુથી જૂન 2020 માં આ યોજના શરૂ કરવામાં આવી હતી, જે હવે 31 માર્ચ 2030 સુધી કાર્યરત રહેશે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં 75.5 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા છે અને ₹17,800 કરોડથી વધુ રકમના 1.12 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ મેળવનારાઓમાં 40 ટકા જેટલી મહિલાઓ સામેલ છે.
સરકાર દ્વારા લોનની મર્યાદા વધારીને કુલ ₹90,000 કરવામાં આવી છે, જે લાભાર્થીઓને સરળતા ખાતર ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવે છે. અરજી મંજૂર થતાં જ પ્રથમ તબક્કામાં ₹15,000 ની લોન મળે છે. પ્રથમ લોનની સમયસર ભરપાઈ કર્યા બાદ બીજા હપ્તામાં ₹25,000 અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં ₹50,000 ની રકમ આપવામાં આવે છે.
આ યોજના માત્ર લોન પૂરતી સીમિત ન રહેતા વેપારીઓને ડિજિટલ રીતે સક્ષમ બનાવે છે. જે લાભાર્થીઓ લોનનો બીજો હપ્તા સમયસર ચૂકવે છે, તેમને સરકાર તરફથી ₹30,000 સુધીની મર્યાદાવાળું UPI લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. ડિજિટલ લેવડ-દેવડ પર આકર્ષક કેશબેક અને વ્યાજ સબસિડી દ્વારા વેપારીઓને ₹800 કરોડનો સીધો ફાયદો થઈ ચૂક્યો છે.
આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને કાગળિયા વગરની રાખવામાં આવી છે. અરજદારે માત્ર પોતાના ઓળખપત્રના સામાન્ય દસ્તાવેજો સાથે દેશની કોઈ પણ સરકારી બેંકમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે, જેની ચકાસણી કરીને ટૂંક સમયમાં બેંક દ્વારા રકમ મંજૂર કરી દેવામાં આવે છે.
આર્થિક સશક્તિકરણ અને લઘુ ઉદ્યોગ
નાના વેપારીઓને ગેરંટી વિના લોન અને ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવી એ દેશના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.