UPI વ્યવહારો પર હવે લાગી શકે છે ચાર્જ
-
₹2,000 સુધીના નાના વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે
-
વાર્ષિક ₹20,700 કરોડના ઓપરેટિંગ ખર્ચને પહોંચી વળવા તૈયારી
-
NPCI ટૂંક સમયમાં ચાર્જનું નવું માળખું જાહેર કરશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં અત્યંત પ્રચલિત UPI સિસ્ટમ પર જંગી ખર્ચ થઈ રહ્યો છે તથા હવે સરકાર આ વ્યવસ્થાને પેઇડ બનાવવા માટે તૈયારી કરી રહી છે. સરકાર તબક્કાવાર આ સિસ્ટમને જે નાણાકીય ટેકો આપે છે તે પાછો ખેંચવા યોજના બનાવી રહી છે. સરકારે આ માટે સંસદમાં UPI ચાર્જેબલ થઈ શકે તેવી સત્તા આપતો ખરડો મંજૂર કરાવી લીધો છે, પરંતુ તેમાં ₹2,000 સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહીં તેવી સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર UPI નો ઓપરેટિવ ખર્ચ અંદાજે ₹20,700 કરોડ જેવો થાય છે. આ ખર્ચ હવે ઉપયોગકર્તાઓ પર લાદવા હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર ચાર્જનું માળખું ઝડપથી જાહેર થાય તે મુદ્દો સંસદીય સમિતિ સમક્ષ ચર્ચાઈ રહ્યો છે. સમિતિમાં જણાવવામાં આવ્યું છે કે જો આ પ્રકારે સેવા આપતી કંપનીઓની નાણાકીય સ્થિતિ સદ્ધર બનાવવામાં નહીં આવે, તો UPI માં સાયબર સિક્યોરિટી, ફ્રોડ અટકાવવાના જરૂરી ફ્રેમવર્ક અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થનારા રોકાણ પર વિપરીત અસર પડી શકે છે.
હાલમાં દેશમાં દર મહિને 150 બિલિયન વ્યવહારો આ સિસ્ટમ મારફત થાય છે અને આગામી સમયમાં વધુ 6 કરોડ યુઝર્સ ઉમેરાવાની શક્યતા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ટૂંક સમયમાં જ આ અંગેનું નવું પેમેન્ટ સ્ટ્રક્ચર બનાવીને જાહેર કરશે. જેમાં માત્ર ચોક્કસ રકમની મર્યાદાથી ઉપરના વ્યવહારો પર જ ચાર્જ વસૂલવામાં આવશે.
આ ચાર્જના દર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર લાગતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કરતાં ઓછા રાખવામાં આવે તેવી શક્યતા છે. જોકે, એક વખત ચાર્જ નક્કી થઈ ગયા પછી તેના પર 18% GST પણ અમલી બની જવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનાથી મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો પર વધારાનો બોજ આવશે.
સરકાર અને NPCI નો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને આત્મનિર્ભર અને સુરક્ષિત બનાવવાનો છે. ₹2,000 સુધીના નાના વ્યવહારોને મુક્ત રાખીને સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને રાહત આપવામાં આવી છે, જેથી ડિજિટલ લેવડ-દેવડની ગતિ ધીમી ન પડે.
UPI માં ₹2000 થી મોટા વ્યવહારો થશે ચાર્જેબલ
દેશમાં પ્રચલિત UPI ના વાર્ષિક ₹20,700 કરોડના ઓપરેટિંગ ખર્ચને પહોંચી વળવા સરકાર હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાદવાની તૈયારી કરી રહી છે. જોકે, ₹2,000 સુધીના નાના વ્યવહારો પર કોઈ ચાર્જ નહીં લાગે. NPCI ટૂંક સમયમાં નવું ચાર્જ માળખું જાહેર કરશે, જેમાં લાગુ થનારા ચાર્જ પર 18% GST પણ લાગશે. આ પગલાથી સિસ્ટમની સાયબર સિક્યોરિટી વધુ મજબૂત બનશે.