Loading Please Wait !!!
"અમરેલી જિલ્લામાં કુદરતનો કહેર: મીની વાવાઝોડા અને કરા સાથે માવઠું, ખેડૂતોના તૈયાર પાકનો સોથ વળ્યો"

  • બગસરામાં 45 મીમી વરસાદ અને લાઠીમાં વૃક્ષો ધરાશાયી - અંધારપટ અને ધૂળની ડમરીઓથી જનજીવન પ્રભાવિત
  • સાવરકુંડલામાં પીકઅપ વાહનના તંબુ ઉડ્યા - અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા હાલાકી
  • સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ - વીજળીના કડાકા સાથે જગતનો તાત ચિંતામાં

અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર બાદ હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું હતું. જિલ્લાના મુખ્ય મથક અમરેલી સહિત બગસરા, લાઠી, સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મીની વાવાઝોડા જેવા વેગીલા પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. રાજુલામાં તો સ્થિતિ એવી સર્જાઈ હતી કે ધૂળની આંધીને કારણે બપોરે જ રાત જેવો અંધકાર છવાઈ ગયો હતો અને વાહનચાલકોએ રસ્તા પર જ વાહનો ઉભા રાખી દેવા પડ્યા હતા.

બગસરામાં પોણા બે ઇંચ જેટલા ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. લાઠી શહેરમાં ફૂંકાયેલા અતિશય વેગીલા પવનને કારણે ગગડીયા સર્કલ પાસે વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થયા હતા, જેનાથી વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો. સાવરકુંડલામાં ધૂળની ડમરીઓએ ભારે હાહાકાર મચાવ્યો હતો અને બસ સ્ટેન્ડ પાસે ઉભેલા વાહનોના તંબુ પણ હવામાં ઉડી ગયા હતા. સદનસીબે, આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતોને મોટું નુકસાન થયું છે.

ખેતી ક્ષેત્રે આ વરસાદ 'આફત' બનીને વરસ્યો છે. વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં તૈયાર પડેલા ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીના પાક પર પાણી ફરી વળ્યા છે. બાગાયતી પાક ગણાતી કેરીને પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, વડિયામાં ઈંટો પકવતા મજૂરો અને માલિકોની હાલત દયનીય બની છે, કારણ કે માવઠામાં હજારો કાચી ઈંટો ઓગળી ગઈ છે. બોટાદમાં પણ કરા સાથે એક ઈંચ વરસાદ વરસતા અનેક મકાનોના છાપરા ઉડી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે, જોકે વાતાવરણમાં ગરમીથી રાહત મળી છે પણ ખેડૂતોની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે.