મહારાષ્ટ્રના સાંગલીમાં મંદિરની દિવાલ પડતા 6નાં મોત
સિટી ન્યૂઝ@મુંબઈ : મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી કાળજું કંપાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ચક્રવાતને કારણે એક મંદિરની ભીંત ધરાશાયી થઈ હતી જેને કારણે ૬ ભાવિકોના મોત થયા છે અને આ હાદસામાં અનેક લોકો ઘાયલ થયા છે. નાનકડા બાળકો પણ કાળનો કોળિયો બની ગયા હોઈ આખા પરિસરમાં શોકનો માહોલ છવાયો છે. મોટેવાડીમાં આવેલ મરગુબાઈ મંદિરમાં આ હાદસો બન્યો છે. દર મંગળવારે અહીં મોટી સંખ્યામાં ભાવિકભક્તોની હાજરી રહેતી હોય છે. નૈવેદ્ય માટે મોટા શેડ પણ ઊભા કરવામાં આવે છે.
મંગળવારે સાંજે જ્યારે તોફાની પવનો ફૂંકાતા હતા ત્યારે સમયે ભાવિકભક્તો પોતાનો જીવ બચાવવા આ શેડ તરફ દોડ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર શેડની દીવાલનું બાંધકામ કાચું હોવાથી તે ધરાશાયી થઈ ગઈ હતી. શેડની દીવાલોનો પાયો મજબૂત ન હોવાથી તે તોફાની પવનોમાં ટકી શકી નહીં અને પરિણામે આ દુર્ઘટના બની છે. મૃતકોની ઓળખ અરુણ વિષ્ણુ ગેજગે (૧૪), સોમ્યા લક્ષ્મણ ગેજગે (૧૪), વિજયપુર) અને કોંડિબા રાઉબા ગેજગે (૬૫), શંકર આબા લોખંડે (૮૦) પંડોરી, મંગલ ભાઉ સાહેબ મોટે (૪૫) અને સંગીતા રામચંદ્ર ચૌધરી (૪૨) તરીકે થઈ છે.
કઈ રીતે બની આ દુર્ઘટના ?
જત તાલુકામાં આવેલ મોટેવાડી ખાતે મરગુબાઈ દેવીની જાત્રા યોજાઈ હતી. આ જાત્રાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મોટેવાડીમાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ થયો હતો. આ સાથે જ પવનની ગતિ પણ તીવ્ર હતી. અચાનકથી આંધી જેવી સ્થિતિ સર્જાતાં કેટલાક ભક્તો પોતાનો જીવ બચાવવા મરાગુબાઈ મંદિરમાં બનાવવામાં આવેલ શેડમાં દોડી આવ્યા હતા.
કામચલાઉ અને ખૂબ જ નબળો પાયો ધરાવતા આ શેડની બાજુની દીવાલ તૂટી પડી હતી. જેને કારણે શેડનો આશ્રય લઈને ઉભેલા કેટલાક ભાવિકભક્તો દબાઈ ગયા હતા. તોફાની પવન અને વરસાદને કારણે ભક્તોએ જે શેડની દીવાલમાં આશ્રય લીધો હતો તે દીવાલ ઈંટોના ચણતરની હોવાથી ઘસી પડી હતી. દુર્ભાગ્યવશ અમુક ભક્તોના ત્યાંને ત્યાં જ રામ રમી ગયા હતા.