NEET પેપર લીક : રાજકોટમાં AAP નું અનોખું વિરોધ પ્રદર્શન
=> કાર્યકરોએ ડૉક્ટરનો વેશ ધારણ કરી રસ્તા પર જાલમૂરી વેચી વિરોધ નોંધાવ્યો
=> વિદ્યાર્થીઓના અવાજને દબાવવા પોલીસ દ્વારા 8થી વધુ કાર્યકરોની અટકાયત
=> પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા અમલમાં મુકવા ઉગ્ર માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ : NEET 2026 ની પરીક્ષા રદ થવાના અને કથિત પેપર લીક કાંડ મુદ્દે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે રાજકોટ ખાતે પણ આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP તથા યુથ વિંગ દ્વારા આજે ઉગ્ર અને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખેલ અને વારંવાર થતી પેપર લીકની ઘટનાઓના વિરોધમાં AAP કાર્યકરોએ રસ્તા પર ઉતરીને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.વિરોધ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી વિંગ, યુથ વિંગ તથા મુખ્ય વિંગના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ડૉક્ટરનો વેશ ધારણ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ગળામાં સ્ટેથોસ્કોપ અને એપ્રોન પહેરેલા આ યુવા નેતાઓએ જાહેર માર્ગ પર એકઠા થઈને પ્રતિકાત્મક રીતે રાહદારીઓને 'જાલમૂરી' (ભેળ) વહેંચી હતી. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, સરકારની બેદરકારીના કારણે સખત મહેનત કરવા છતાં વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાને બદલે રસ્તા પર જાલમૂરી વેચવાનો વારો આવ્યો છે. લાખો વિદ્યાર્થીઓની દિવસ-રાતની મહેનત અને વાલીઓના લાખો રૂપિયા પર પાણી ફરી વળ્યું છે. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા અને સરકાર વિરોધી નારાઓ લાગતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને અટકાવવા પોલીસે બળપ્રયોગ કરી આશરે 8 જેટલા યુવા નેતાઓની અટકાયત કરી લીધી હતી. AAP આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા તાનાશાહી ઢબે વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરીને સરકાર વિદ્યાર્થીઓના અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે.
પારદર્શક પરીક્ષા વ્યવસ્થા માટે કડક માંગ
અટકાયત કરાયેલા કાર્યકર્તાઓમાં પ્રણવ ગઢવી, કલાપી વારા, ફરાઝ મોગલ, આર્યન પઠાણ, દીપ રાણપરિયા, દર્શન ગજેરા, મહેશ કોટડીયા અને શીતલ ગોહેલનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP અને યુવા વિંગે સ્પષ્ટ માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતો અન્યાય તાત્કાલિક બંધ થવો જોઈએ. પેપર લીક કૌભાંડના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરી, ભવિષ્યમાં પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.