Loading Please Wait !!!
ટેકાના ભાવમાં વધારો ખેડૂતો માટે આર્થિક સુરક્ષા : ભુપત બોદર

=> ખેડૂતો વાવેતરની શરૂઆત કરે તે પહેલાં જ ભાવ જાહેર થતા યોગ્ય આયોજન થઈ શકશે

સિટી ન્યૂઝ@રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સમયસર જાહેર કરવામાં આવતા દેશભરના ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ખેડૂતો વાવેતરની શરૂઆત કરે તે પહેલાં જ પાકોના ટેકાના ભાવ જાહેર કરવાના આ ખેડૂતલક્ષી નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદરે આવકારી કેન્દ્ર અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે.

ભુપત બોદરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત ખેડૂતોની આવક વધે, ખેતી વધુ નફાકારક બને અને ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે. ખેડૂતોને વાવેતર પહેલાં જ પાકના ટેકાના ભાવની સ્પષ્ટતા મળતા હવે તેઓ યોગ્ય આયોજન સાથે પાકની પસંદગી અને વાવેતર કરી શકશે.

ગુજરાતના મુખ્ય ખરીફ પાકોમાં સમાવિષ્ટ મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ, સોયાબીન અને તલ જેવા પાકોના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

વર્ષ 2026-27 માટે જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ મગફળીનો ભાવ રૂ. 7517 પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી) રૂ. 8667, ડાંગર રૂ. 2441, જુવાર રૂ. 4023, બાજરી રૂ. 2900, રાગી રૂ. 5205, મકાઈ રૂ. 2410, તુવેર રૂ. 8450, મગ રૂ. 8780, અડદ રૂ. 8200, સોયાબીન રૂ. 5708 તેમજ તલ રૂ. 10346 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષની સરખામણીએ કપાસમાં રૂ. 557, તલમાં રૂ. 500, તુવેરમાં રૂ. 450 તથા ગુજરાતના મુખ્ય પાક મગફળીમાં રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

ભુપત બોદરે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા થઈ રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડથી સરળ પાક લોન અને ફસલ વીમા યોજના કુદરતી આફતો સામે સુરક્ષા આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સુજલામ સુફલામ યોજના, જળ સંચય અભિયાન, વીજ સહાય અને ડ્રિપ-સ્પ્રિંકલર સહાય જેવી યોજનાઓ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ ધપાવી રહી છે.