ખરીફ પાકના ટેકાના ભાવની જાહેરાતને આવકારતા ચેતન રામાણી
સિટી ન્યૂઝ@રાજકોટ : બજારની અસ્થિરતા સામે ખેડૂતોને રક્ષણ આપવા સરકાર દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવ (MSP) જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડૂત નેતા ચેતનભાઈ રામાણીએ સરકારના આ નિર્ણયને આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. અખબારી યાદીમાં ચેતન રામાણીએ જણાવ્યું હતું કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને મોટી વસ્તી સીધી કે પરોક્ષ રીતે ખેતી પર આધારિત છે. ખાસ કરીને ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્ર વિસ્તાર કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે સહયોગ આપવો એ સરકારની પ્રાથમિક જવાબદારી છે.
છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતોની દરેક મુશ્કેલીમાં સરકાર તેમની વ્હારે આવી છે. પછી તે દુષ્કાળ હોય, કમોસમી વરસાદ હોય કે પછી બજારમાં ભાવ તૂટવાની સમસ્યા હોય, સરકારે હંમેશા સંવેદનશીલતા દાખવી છે. ફરી એક વખત ખરીફ પાકની વાવણીની શરૂઆતમાં જ ટેકાના ભાવ જાહેર કરીને સરકારે ખેડૂતોને પાકના વાવેતર માટે એક નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યો છે. અગાઉથી ભાવ નક્કી હોવાથી ખેડૂતો કયા પાકનું વાવેતર કરવું તેનો યોગ્ય નિર્ણય લઈ શકશે.