Loading Please Wait !!!
રાજકોટમાં 112 હેલ્પલાઈનની બેદરકારી હર્ષ સંઘવીને કોંગ્રેસની ફરિયાદ

=> આ જ દારૂડિયાએ સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યાની ગાંધીનગર લેવલે સત્તાવાર રજૂઆત

=> પંચાયત નગર બગીચામાં દારૂડિયાના ત્રાસ અંગે 112 માં કોલ કરતા ફરિયાદીને જ ધમકાવાયા

=> સિવિલ ડ્રેસમાં આવેલો વ્યક્તિ પોલીસ હતો કે માત્ર કોન્ટ્રાક્ટ ડ્રાઇવર તે અંગે શંકા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ઈમરજન્સી હેલ્પલાઈન 112 ની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પંચાયત નગરના બગીચામાં દારૂડિયાના ત્રાસ અંગે કોલ કરનાર કોંગ્રેસના હોદ્દેદારોને જ જનરક્ષક વાહનમાં આવેલા કર્મચારીએ ધમકાવ્યાની ઘટનામાં કોંગ્રેસ પ્રવક્તા તુષિત પાણેરીએ ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસે ટેલિફોનિક ફરિયાદ નોંધાવી છે.

વિગતો મુજબ, કોંગ્રેસ પ્રવક્તા તુષિત પાણેરી અને શહેર કોંગ્રેસ મંત્રી કેતન ભટ્ટ મંગળવારે રાત્રે 1 વાગ્યા આસપાસ પંચાયત નગર બગીચામાં બેઠા હતા. ત્યારે લાલ ટીશર્ટ પહેરેલો 1 દારૂડિયો આવીને તેમની વાતોમાં દખલ કરી ધમકીઓ આપવા લાગ્યો હતો. કંટાળીને તુષિત પાણેરીએ 112 પર કોલ કરતા, થોડીવારમાં જનરક્ષકની બોલેરો (GJ18GB6772) આવી, જેમાંથી સિવિલ ડ્રેસમાં 1 વ્યક્તિ નીચે ઉતર્યો હતો.આશ્ચર્ય વચ્ચે, તે વ્યક્તિએ દારૂડિયા સામે કાર્યવાહી કરવાને બદલે તુષિત પાણેરી અને કેતન ભટ્ટને જ ધમકાવતા કહ્યું, "અત્યારે અહીંયા શું કામ બેઠા છો? આવી સામાન્ય બાબતે 112 માં ફોન કરવો નહીં, અમારે છેકથી અહીં આવવું પડ્યું, હાલો નીકળો અહીંથી." આમ કહીને તે દારૂડિયાને ત્યાં જ મૂકી જતો રહ્યો હતો.આ જ લાલ ટીશર્ટવાળા દારૂડિયાએ બીજા દિવસે બુધવારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગ પાસે પણ ચિક્કાર દારૂ પીને આતંક મચાવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે. આ બેદરકારી અંગે તુષિત પાણેરીએ સ્વર્ણિમ સંકુલ ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

તુષિત પાણેરીએ 3 સવાલો ઉઠાવ્યા છે: 1) શું લુખ્ખાઓના ત્રાસથી સામાન્ય નાગરિકોએ બગીચામાં જવાનું બંધ કરી દેવું? 2) 112 ગાડી લઈને આવેલો સિવિલ ડ્રેસવાળો એકલો વ્યક્તિ પોલીસકર્મી હતો કે કોન્ટ્રાક્ટ ડ્રાઈવર? 3) હજુ દોઢ મહિના પહેલા જ કેકેવી બ્રિજ નીચે નશાખોરે 1 યુવાનની હત્યા કરી હતી. જો આ દારૂડિયાએ હુમલો કર્યો હોત તો જવાબદાર કોણ? શું હુમલો થાય તેની રાહ જોયા બાદ જ પોલીસ કાર્યવાહી કરશે?