Loading Please Wait !!!
નાણા ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં વ્યાજે નાણા દેનાર વ્યાજખોરો બેફામ

  • ગોંડલના વાસાવડના વ્યાજખોરે 3.50 લાખના 6.50 લાખ વસુલ્યા બાદ યુવકને મારકૂટ કરી બે કોરા ચેક પડાવી લીધા 

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરો પાસે ગુજરાત નાણા ધીરધાર અંગેનું લાયસન્સ ન હોવા છતાં નાગરિકોને ઊંચા વ્યાજે પૈસા આપીને તેમની મરણમૂડી પડાવી રહ્યા છે. લાયસન્સ વિના વ્યાજખોરીનો આ કાળો કારોબાર બેફામ બન્યો છે. ગોંડલની પારેખ શેરીમાં રહેતા યુવાને ધંધાની જરૂરિયાત માટે 3.50 લાખ વ્યાજે લીધા બાદ 6.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં વાસાવડના વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મારકૂટ કરતા સુલતાનપુર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મૂળ ધ્રોલના વતની અને હાલ ગોંડલમાં પારેખ શેરીમાં રહી છકડો રિક્ષા ચલાવતા અસલમ અજીજ દોસાણી (ઉ.વ. 38) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હનીફ ઉર્ફે કાળુ ઇસ્માઇલ સલાટ (રહે. વાસાવડ) નું નામ આપ્યું છે. અસલમ વર્ષ 2018 ના માર્ચ મહિનામાં રમકડાંની ફેરી કરતો હતો ત્યારે તેને રૂપિયાની જરૂરિયાત પડતા પત્નીના કુટુંબી મામા હનીફ પાસેથી કટકે કટકે 2.50 લાખ માસિક 3 ટકાના વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ ચૂકવ્યા બાદ વર્ષ 2019 માં વધુ 1 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે લીધા હતા. છેલ્લા 6 વર્ષમાં અસલમે વ્યાજ અને મુદ્દલ રકમ મળીને કુલ 6.50 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ તેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તે વ્યાજના પૈસા ચૂકવી શકતો ન હતો.

આ તરફ વ્યાજખોર હનીફ પાસે નાણા ધીરધારનું કોઈ લાયસન્સ ન હોવા છતાં તે અસલમને અવારનવાર ધમકાવીને પઠાણી ઉઘરાણી કરતો હતો. આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. સરિયાએ આરોપી હનીફ સામે આઇપીસી કલમ 384, 386, 323 તથા ગુજરાત નાણા ધીરધાર એક્ટ 2011 ની કલમ 5, 33, 40, 42 મુજબ ગુનો નોંધી તેની સઘન શોધખોળ હાથ ધરી છે. વ્યાજ અને મુદ્દલ કરતાં બમણી રકમ વસૂલી લેવા છતાં હનીફની ભૂખ સંતોષાઈ ન હતી.

ગત 26-10-2025 ના રોજ હનીફે ઢોર માર મારીને અસલમ પાસેથી બે કોરા ચેકમાં બળજબરીથી સહી કરાવીને ચેક પડાવી લીધા હતા. તાજેતરમાં જ હનીફ વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજ અંગેની અન્ય એક ફરિયાદ નોંધાઈ હતી. આ વાતની જાણ થતાં અસલમે પણ હિંમત એકઠી કરી આ માથાભારે વ્યાજખોર સામે પોલીસનું શરણું લીધું છે અને મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.


સામું જોવાના પ્રશ્ને 9 શખ્સોનો પરિવાર પર હુમલો
ઘાંચીવાડ વિસ્તારમાં માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે માથાભારે ટોળકીએ યુવાનના ઘરે જઈ ઘાતક હથિયારો વડે હુમલો કરતા એક જ પરિવારના 5 સભ્યો ઘવાયા છે. ઘાંચીવાડમાં રહેતો અવેશ ઘોણીયા (ઉ.વ. 28) મંગળવારે રાત્રે ગાર્ડન ચોક પાસે ફાકી ખાવા ગયો હતો. ત્યાં હુશેન ઉર્ફે ભાણો જોરજોરથી બોલતો હોવાથી અવેશે તેની સામે જોયું હતું. આથી ઉશ્કેરાયેલા હુશેને ગાળો આપી અવેશને ચાનો કડછો ફટકારી દીધો હતો. અવેશ ત્યાંથી ઘરે જતો રહ્યો પરંતુ હુશેન તેના ઘર પાસે પહોંચ્યો હતો અને અવેશના પિતા સાથે ઝઘડો કરી પોતાના સાગરીતો માહીર, સુફી, અરબાઝ, નોઈનખાન, સૈફુ, સલમાન, આદિલ અને દેવોને બોલાવી લીધા હતા.

આ 9 શખ્સોએ છરી, ધોકા અને સોડા બોટલોથી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. હુમલાખોરો એક્ટિવામાં તોડફોડ કરી, મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. હુમલામાં ઘવાયેલા અવેશ, તેના પિતા નસીરૂદ્દીનભાઈ, કાકી નઝમાબેન, પિતરાઈ ભાઈ અમન અને બહેન સુમેરાબેનને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. એ-ડિવિઝન પોલીસે તમામ 9 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.