Loading Please Wait !!!
વોર્ડ નં. 11માં પાણી ચોરી કરનાર ત્રણ સામે મનપાની કડક કાર્યવાહી

  • મોટરથી ગેરકાયદેસર પાણી ખેંચતા ઝડપાયા, 2,000નો દંડ ફટકારાયો; વધુ સઘન ચેકિંગની મનપાની ચેતવણી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં પાણી પુરવઠાની સમાનતા જળવાઈ રહે તે માટે પાણી ચોરી સામે કડક વલણ અપાવ્યું છે. વોર્ડ નં. ૧૧ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મોટર લગાવી પાણી ખેંચતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. ૨,૦૦૦નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મનપાની આ કાર્યવાહીથી પાણી ચોરી કરનારાઓમાં ચકચાર મચી ગઈ છે.મનપાના જણાવ્યા મુજબ, ૨૧ જુલાઈના રોજ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સીટી એન્જિનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની ટીમ દ્વારા પાણી વિતરણ દરમિયાન વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ગિરિરાજ સોસાયટી, ૪૦ ફૂટ રોડ વિસ્તારમાં જાહેર પાણીની લાઈન પર મોટર મૂકી ગેરકાયદેસર રીતે પાણી ખેંચવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીનીબુંદ ઘટ્યું હતું.

ચેકિંગ દરમિયાન ગોવિંદ મનુભાઈ સબાડ, ગિરીશ કાલાભાઈ ટાટમીયા અને પ્રફુલ ગોવિંદભાઈ ભરકવા નામના ત્રણ વ્યક્તિઓ પાણી ચોરી કરતા ઝડપાયા હતા. મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની સામે દંડાત્મક પગલાં લીધા અને કુલ રૂ. ૨,૦૦૦નો દંડ વસૂલ કર્યો હતો. સાથે જ તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ ન કરવા ચેતવણી પણ આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે પાણી વિતરણ દરમિયાન મોટર, પંપ અથવા અન્ય સાધનો વડે ગેરકાયદેસર રીતે પાણી ખેંચવાની પ્રવૃત્તિઓથી દૂર રહેવું. આવી પ્રવૃત્તિઓના કારણે અન્ય નાગરિકોને પૂરતું પાણી મળવામાં મુશ્કેલી પડે છે અને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે.

મનપાએ વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક અને સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. શહેરના દરેક નાગરિકને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે મનપા પ્રતિબદ્ધ છે અને નાગરિકોના સહયોગથી જ પાણીનો યોગ્ય અને જવાબદાર ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે છે.