વડોદરામાં મહેંદી મૂકવા ગયેલી યુવતીની હત્યા
પ્રેમીએ જ ફરવા બોલાવી ચાદરમાં લપેટી ફેંકી દીધી
સિટી ન્યૂઝ@ગાંધીનગર : 4 મે સોમવારના રોજ વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ ગઈકાલે થઈ હતી. મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું હતું. દિવ્યા બનાવના આગલા દિવસે એટલે કે રવિવારે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી. બાદમાં તે પરત ફરી નહોતી. પરિવારે અનેક ફોન કર્યા, પરંતુ સંપર્ક થયો નહોંતો.બાદમાં પરિવાર સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલ તપાસ કરવા પહોંચ્યા તો દિવ્યાનો નીકળ્યો હતા.
પોલીસની તપાસમાં આજે (6 મે) દિવ્યાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, યુવતીની હત્યા તેના જ પ્રેમીએ અન્ય સાથેના સંબંધની શંકામાં કરી છે. રિકન્ટ્રક્શન માટે પોલીસ આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી.મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીનું નામ રોહન વણકર ઉર્ફે પરમાર છે, જે કોશિંગા બોડેલીનો વતની છે અને તે શહેરના ગાય સર્કલ વિસ્તારમાં આવેલી એક કેફેમાં નોકરી કરતો હતો. જ્યારે મૃત દિવ્યા કેફે સામેની જ ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી.
આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા પાંચથી છ મહિનાથી પ્રેમસંબંધ હતો. આરોપીને યુવતીના અન્ય સાથે સંબંધ હોવાની શંકા હતી.આરોપીએ 3 મેના રોજ યુવતીને અંકોડિયા વિસ્તારમાં આવેલા મિનિ વોટરપાર્ક ફરવા બોલાવી હતી. ત્યાંથી તે તેને અંકોડિયા પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અહીં બંને વચ્ચે બબાલ થઈ હતી અને પ્રેમીએ આવેશમાં આવીને તેની પાસે રહેલા કોમ્પ્યુટર વાયરથી યુવતીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ યુવતીની લાશને ચાદરમાં વીંટાળીને ત્યાં જ ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.