તંત્રની બેદરકારીનો નમૂનો: RMCની પોલ ખૂલ્લી :ભ્રષ્ટાચારનો વિકાસ...!
રાજકોટ મહાપાલિકાની પોતાની જ ટ્રક ખાડામાં ફસાઈ
સ્થાનિક લોકોએ કહ્યું આ છે વિકાસ, હજુ ચોમાસુ બાકી છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે આજે એક વિચિત્ર અને તંત્રની બેદરકારી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ પર પાઇપલાઇનના કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં મહાનગરપાલિકાની જ ડ્રેનેજ શાખાની ટ્રક ખૂંપી ગઈ હતી. ૬ જૂનની સવારે બનેલી આ ઘટના બાદ બપોર સુધી ટ્રક ત્યાં જ ફસાયેલી રહેતા રાહદારીઓ અને વાહનચાલકો ટ્રાફિકજામથી ભારે પરેશાન થયા હતા. છેલ્લા ૪ દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં સુરક્ષાના કોઈ નિયમો ન જળવાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિક રાહદારી મહેશ બુધવાનીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, મનપાએ ખોદેલા ખાડામાં તેમની જ ટ્રક ફસાઈ જવી એ ભ્રષ્ટાચારનો વિકાસ છે. હજુ ચોમાસું શરૂ થશે ત્યારે વરસાદના કારણે આનાથી પણ મોટા ખાડા પડશે અને લોકોની મુશ્કેલી વધશે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમીન માર્ગના કોર્નર પર રેલવે ફાટકની સામે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ખોદકામ કરવામાં આવ્યું હતું. અહીં છેલ્લા ૪ દિવસથી આ જ પરિસ્થિતિ હોવા છતાં કોઈપણ પ્રકારનું બેરિકેટ લગાવવામાં આવ્યું નહોતું, જેના કારણે ખુદ મનપાનું જ વાહન ખાડામાં ફસાઈ ગયું. તેમણે ઉમેર્યું કે, મનપા પ્રિ-મોન્સૂન કામગીરી કરે તે આવકારદાયક છે. એસ્ટ્રોન ચોક પાસે બનેલી આ ઘટના અંગે તેમણે ચેતવણી આપી કે જો ચોમાસામાં રસ્તાઓની સ્થિતિ ખરાબ રહેશે તો કોંગ્રેસ મનપાનો ઘેરાવ કરશે.
મેયરે યોગ્ય કામ ન થયાનો સ્વીકાર કર્યો
આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને માધ્યમો દ્વારા દોઢ કલાક પહેલા જ આ ઘટનાની જાણ થતાં સંલગ્ન અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતા. ૨ દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હોવાથી કામગીરી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ માત્ર રેતી-કપચી નાખી ખાડો પૂરવામાં આવતા રસ્તો બેસી રહ્યો હતો. ચાલુ વરસાદે ઇજનેરો અને પદાધિકારીઓ ઓન-ફિલ્ડ મોનિટરિંગ કરશે. મેયરે વધુમાં જણાવ્યું કે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત જે વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે તે સ્પોટ્સ નક્કી જ હોય છે. આથી, પાણી ભરાવાના સ્થળો પર કોર્પોરેશનના બબ્બે કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવશે. આ વર્ષે ચાલુ વરસાદે પણ કોર્પોરેશનના એન્જિનિયરો, કર્મચારીઓ અને પદાધિકારીઓ જાતે ગ્રાઉન્ડ પર રહીને મોનિટરિંગ કરશે જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે.