Loading Please Wait !!!
AI નો ભયાનક રાક્ષસ: 130 કરોડ લોકોનું પાણી પી જશે!

2030 સુધીમાં પર્યાવરણ માટે સૌથી મોટી આફત બનશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, UN ના રિપોર્ટથી દુનિયામાં હાહાકાર

માઇક્રોસોફ્ટ અને ગૂગલ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી ખેંચી રહ્યા છે અબજો લિટર પાણી, જનતામાં ભભૂક્યો રોષ

ChatGPT નો એક સવાલ ગૂગલ સર્ચ કરતા 10 ગણી વધુ વીજળી વાપરે છે, 2030 સુધીમાં સર્જાશે ભયાનક કટોકટી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો આંધળો અને બેફામ ઉપયોગ માનવજાત માટે અત્યંત ભયાનક અને કાળજું કંપાવનારી પર્યાવરણીય આફત નોતરવા જઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (UN) ના એક સનસનાટીભર્યા અહેવાલે આખી દુનિયાની ઊંઘ હરામ કરી નાખી છે. જે ડીપફેક અને જનરેટિવ ટેક્નોલોજીને આપણે આપણું ભવિષ્ય માની રહ્યા છીએ, તે 2030 સુધીમાં 130 કરોડ લોકોની વાર્ષિક જરૂરિયાત કરતાં પણ વધુ એટલે કે 9.3 ટ્રિલિયન લિટર પીવાનું શુદ્ધ પાણી સરેઆમ ગટગટાવી જશે. એટલું જ નહીં, AI વિશ્વની કુલ વીજળીના 3 ટકા જેટલો જંગી હિસ્સો હડપ કરી લેશે, જે આખા બ્રિટનના કાર્બન ઉત્સર્જન જેટલું ભયાનક નુકસાન પૃથ્વીને પહોંચાડશે.

'જેવોન્સ પેરાડોક્સ' ની અત્યંત ખતરનાક જાળમાં ફસાયેલી દુનિયામાં AI મોડેલો જેટલા સસ્તા થશે, તેનો જથ્થાબંધ વપરાશ એટલો જ રોકેટ ગતિએ વધશે. ફૂટબોલના મેદાન જેટલા વિશાળ ડેટા સેન્ટરોના હજારો સર્વરને 24 કલાક ઠંડા રાખવા માટે માઇક્રોસોફ્ટ, ગૂગલ અને મેટા જેવી દિગ્ગજ ટેક કંપનીઓ દુષ્કાળગ્રસ્ત અને અછતવાળા વિસ્તારોમાંથી બેશરમીથી અબજો લિટર પાણી ખેંચી રહી છે. સત્તાવાર ડેટા મુજબ માઇક્રોસોફ્ટ તેનું 46 ટકા પાણી માત્ર સૂકા પ્રદેશોમાંથી જ લૂંટી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ChatGPT પર પૂછેલો એક સામાન્ય સવાલ ગૂગલ સર્ચ કરતાં 10 ગણી વધુ વીજળી અને 10 ચમચી જેટલું પાણી એક જ ઝટકામાં વેડફી નાખે છે.

ગરીબ કે વિકાસશીલ દેશોને AI નો કોઈ મોટો આર્થિક ફાયદો નથી, પરંતુ તેઓ ખનિજોના ખાણકામ અને ઈ-કચરાનો ભયાનક બોજ સરેઆમ સહન કરી રહ્યા છે. પીવાના પાણીની આ આક્રમક લૂંટ સામે હવે સ્પેન, ચિલી અને ઉરુગ્વે જેવા દેશોમાં પ્રજાનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે અને ડેટા સેન્ટરો વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો આ ટેક કંપનીઓ તાત્કાલિક ક્લોઝ્ડ-લૂપ સિસ્ટમ કે દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરવાનું શરૂ નહીં કરે, તો આ AI ટેક્નોલોજી એક આશીર્વાદના બદલે 'સંસાધનોનો સૌથી મોટો અને ઘાતક શિકારી' બનીને માનવજાતનો સરેઆમ વિનાશ કરશે તે નિશ્ચિત છે.

પર્યાવરણ બચાવવા AI નો વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય

AI ના બેફામ અને આંધળા ઉપયોગથી આવનારા સમયમાં પીવાના પાણી અને વીજળીની ભયાનક કટોકટી સર્જાશે. મોટી ટેક કંપનીઓ ઉપરાંત સામાન્ય નાગરિકોએ પણ બિનજરૂરી રીતે AI ટૂલ્સનો ઉપયોગ અને મોટી ઈમેજ જનરેટ કરવાનું તાત્કાલિક ટાળવું પડશે. ક્લાઉડ સિસ્ટમ આપણી નદીઓ સૂકવી રહી છે, ત્યારે જળસંવર્ધન અને કડક કાયદાકીય નિયંત્રણો જ ભવિષ્યમાં માનવજાતને બચાવી શકશે.