Loading Please Wait !!!
પંજાબના મોહાલીની ઘટના : પ્રેમિકાએ બ્રેકઅપ કરતા પ્રેમીએ 30 છરીના ઘા માર્યા

=> ડિંપલ ઓફિસમાં કામ કરી હતી પ્રેમી આવી જાહેરમાં હથિયાર લઈ તૂટી પડ્યો

સિટી ન્યૂઝ@મોહાલી પંજાબના મોહાલીમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી યુવતીની તેની ઓફિસમાં જ તેના પૂર્વ પ્રેમીએ કરપીણ હત્યા કરી છે. ડિંપલ નામની યુવતી જ્યારે ઓફિસમાં કામ કરી રહી હતી, જ્યારે સાથે ઓફિસમાં કામ કરતો તેનો પૂર્વ પ્રેમી હરવિંદર કંઈક પાછળથી આવ્યો અને ડિંપલ પર તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો, તેણે ડિંપલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા બાદ પોતાનું ગળું કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેને સફળતા મળી નહીં. આ ઘટના બાદ બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પટિયાલાના રહેવાસી ડિંપલનું મોત થયું હતું. જ્યારે આરોપી હરવિંદર માન ઉર્ફે હેરીની હાલત નાજુક હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

ડિંપલ અને હેરી બંને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. આ કંપની પેકર્સ એન્ડ મૂવર્સનું કામ કરે છે. લગભગ ત્રણ વર્ષથી બંને સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ સંબંધ પણ થયો. જોકે, થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારથી હેરી ડિંપલથી નારાજ હતો. આ કારણે જ તેણે ડિંપલની કરપીણ હત્યા કરી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બ્રેકઅપ પછી હેરી અંદરથી ખૂબ જ તૂટી ગયો હતો અને માનસિક રીતે પરેશાન રહેતો હતો. તેણે ડિંપલ સાથે ફરીથી સંબંધ સુધારવાનો પ્રયાસ કર્યો હતો, પણ વાત બની નહોતી. આથી તે વધુ પરેશાન થઈ ગયો હતો અને તેણે આવેશમાં આવીને આવું પગલું ભરી લીધું.