રાજકોટના રસ્તાઓ પર ખુલ્લેઆમ મોત ફરે છે
ઓવરલોડ ડમ્પરોનો કહેર : 4 મહિનામાં 50ના મોત જવાબદાર કોણ?
નંબર પ્લેટ ગાયબ: કાયદો લૂલો: મોતના સોદાગરોને છૂટ નિયમોના ધજાગરા કાર્યવાહી શૂન્ય
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરી વિસ્તારમાં ચાર મહિનાની અંદર અકસ્માતમાં ૫૦ લોકોના મૃત્યુ થયા છે અને ૧૦૩ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આવા અકસ્માતો પાછળ રાજમાર્ગો પર દોડતા નંબર પ્લેટ વગર દોડતા ઓવર લોડ ડમ્પરો અને ટ્રેક્ટર જવાબદાર છે. આવા વાહનોના કારણે અકસ્માતમાં ભોગ બનેલા પરિવારોને વળતર મળી શકતું નથી. નંબર પ્લેટ ન હોવાથી વાહન ચાલકની ધરપકડ કરવી મુશ્કેલી બને છે અને આવા વાહનો સામે રાજકોટ શહેર પોલીસના આઇવે પ્રોજેક્ટના સીસીટીવી વામણા પુરવાર સાબિત થાય છે.
કારણ કે રાજકોટ નેશનલ હાઈવે બાદ હવે શહેરના આંતરિક વિસ્તારો અને મુખ્ય રાજમાર્ગો પર પણ ભયજનક રીતે રેતી, કપચી અને ઈંટો ભરેલા ઓવરલોડ ડમ્પરો બેરોકટોક દોડી રહ્યા છે. આ ડમ્પર ચાલકો દ્વારા આર.ટી.ઓ. ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસના તમામ નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનો પર આગળ કે પાછળ કોઈ નંબર પ્લેટ જ હોતી નથી અને નિયમ મુજબ તાડપત્રી પણ બાંધવામાં આવતી નથી. તંત્રની રહેમરાહ હેઠળ ચાલતા આ મોતના સોદાગરો સામે સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
ઉપરોક્ત તસ્વીરોમાં જોઈ શકાય છે કે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પરસાણા ચોકથી કણકોટ રોડ સુધીમાં 'જય દ્વારકાધીશ', 'રાધિકા', 'જય શ્રી કૃષ્ણ' "જય શ્રી રામ" લખેલા ડમ્પરોમાં આગળ-પાછળ નંબર પ્લેટ જ ગાયબ હતી, આવા ખનીજ ભરેલા વાહનો સામે આઇવે પ્રોજેક્ટના સીસીટીવી પણ વામણા સાબિત થયા છે. આ વાહનોમાં તાડપત્રી પણ બાંધવામાં આવી નથી. આવા નંબર પ્લેટ વગરના વાહનો રસ્તા પર ખુલ્લેઆમ ફરતા હોવાથી મોટું જોખમ ઊભું થયું છે. જો આવા કોઈ વાહનચાલકથી અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ નાગરિક મોતને ભેટે, તો ચોક્કસ કયા ડમ્પર ચાલકે અકસ્માત કર્યો તેની ધરપકડ કરવી અશક્ય બની જાય છે. એટલું જ નહીં, વાહનની ઓળખ ન થવાના કારણે ભોગ બનનારા પરિવારને કાયદેસરનું કોઈ વળતર કે વીમો પણ મળી શકતો નથી.