હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો કાર્યવાહી
જો તમે પણ રસ્તાની બાજુમાં લારીમાંથી ગરમા ગરમ વડાપાવ, સમોસા કે ચાટ અખબારમાં લપેટીને ખાવાનો શોખ ધરાવતા હોવ તો સાવધાન રહો. આ પસંદગી તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, FSSAI એ દેશભરના તમામ ખાદ્ય વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ માલિકો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ અને ખાધ્ય વ્યવસાય સંચાલકોને કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં તાત્કાલિક અસરથી અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિંગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈમાં તાજેતરમાં કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં એક ખૂબ જ પ્રખ્યાત વડાપાવ વિક્રેતા ગ્રાહકોને અખબારમાં ખોરાક પીરસતો અને પેકિંગ કરી આપતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ FSSAIના પશ્ચિમ ઝોન અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત રીતે દુકાન સામે કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો અનાદર કરનાર કોઈપણ દુકાનદાર કે વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.