ગત ટર્મમાં સેક્રેટરી ધવલ જેસડિયાએ નેહલ શુક્લને સભ્યપદેથી બરતરફ કરવા નોટિસ આપી હતી : જૂનો હિસાબ ચૂકતે..
મેયરે સેક્રેટરી જેસડિયાને પદ પરથી હટાવી હરેશ રૂપારેલિયાને બેસાડી દીધા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (મનપા) માં સત્તાના સૂત્રો બદલાતાની સાથે જ વહીવટી પાંખમાં મોટો ભૂકંપ આવ્યો છે. મનપાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને પૂર્વ સેક્રેટરી હરેશ રૂપારેલિયાની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. મનપાના વર્તમાન મેયર નેહલ શુક્લ દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચર્ચા છે કે મેયર નેહલ શુક્લે પદ સંભાળતાની સાથે જ વહીવટી અધિકારીઓ સામે પોતાનો દાવ લેવાનું શરૂ કરી દીધું છે. આ સમગ્ર વિવાદ અને ફેરફાર પાછળ એક મોટી રાજકીય અદાવત હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં જ્યારે ધવલ જેસડિયા સેક્રેટરી પદ પર કાર્યરત હતા, ત્યારે તેમણે ત્રણ જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેવા બદલ તત્કાલીન કોર્પોરેટર અને વર્તમાન મેયર નેહલ શુક્લને સભ્યપદેથી બરતરફ કરવા અંગેની આકરી નોટિસ પાઠવી હતી. એ સમયે આ નોટિસ ભારે ચર્ચાનો વિષય બની હતી. જોકે, હવે સમય બદલાયો છે અને નેહલ શુક્લ રાજકોટના મેયર બન્યા છે, જેથી સત્તા હાથમાં આવતા જ તેમણે જૂનો હિસાબ ચૂકતે કરવાનું શરૂ કર્યું હોય તેમ જેસડિયાની સત્તા છીનવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પદાધિકારીઓના શાસનકાળ દરમિયાન મનપાના કાયમી સેક્રેટરી એવા હરેશ રૂપારેલિયાને પદ પરથી હટાવી દેવાયા હતા અને તેમના સ્થાને ધવલ જેસડિયાને આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ મહાનગરપાલિકામાં શાસકો અને પદાધિકારીઓ બદલાતા જ આ વહીવટી નિર્ણય પણ ૧૮૦ ડિગ્રી બદલાઈ ગયો છે. હરેશ રૂપારેલિયાને ફરીથી સેક્રેટરીનું પદ સોંપી દેવામાં આવ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રાજકોટ મનપામાં વહીવટી નિર્ણયો પર રાજકીય પ્રભાવ કેટલો મજબૂત છે. આગામી દિવસોમાં આ ગજગ્રાહ હજુ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
શહેર ભાજપ સંગઠન મનપામાં ચંચુપાત નહીં કરે
મનપામાં કોઈપણ પ્રોજેક્ટના ખર્ચની મંજૂરી સ્ટેન્ડિંગના સભ્યોની સહમતિથી અપાય છે. પરંતુ અહેક બાબતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત પદાધિકારીઓ સિવાય શહેર સંગઠન દ્વારા પણ સૂચનાઓ તેમજ કામોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અગાઉ બનવા પામ્યું છે. ત્યારે અનુભવી અધિકારીઓ દ્વારા મૂકવામાં આવેલ દરખાસ્તો તેમજ નવા આયોજનો માં જરૂર પડશે શહેર સંગઠન ની સલાહ લેવામાં આવશે પરંતુ રૂટિન કામગીરી માં હવે શહેર સંગઠન તરફથી કોઈ ચંચુપાત નહીં કરાય.