મોદીનું 2047નું સપનું;રાજકોટ RMCમાં 2030માં શું આયોજન કોઈ ઠેકાણા નથી !
ટેક્સ વસુલાય, સુવિધા શુન્ય; નવા જોડાયેલા ગામોમાં મનપાની મોટી નિષ્ફળતા
-
રાજકોટ શહેરમાં કોઠારીયા ગામનો 2015માં સમાવેશ થયો
-
2020 જૂન મહિનામાં માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામૌવા અને મનહરપુરને ભેળવવામાં આવ્યું
-
ગ્રાસરૂટ લેવલે શું પરિસ્થિતિ શહેરના 18 વોર્ડની પરિસ્થિતિ સરખી નથી: ત્રણેય ઝોન સમાન કેમ નથી
-
6 વર્ષમાં ડ્રેનેજ લાઈન નથી, પીવાનું પાણી પૂરતું નથી, કાયમી સફાઈ કામદારોનો આ વિસ્તારમાં મોટો અભાવ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦૧૫ અને ૨૦૨૦ દરમિયાન ભળેલા ગામોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. કોઠારીયા ગામ ૨૦૧૫માં અને ત્યારબાદ જૂન ૨૦૨૦માં માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામૌવા અને મનહરપુર જેવા વિસ્તારોને મનપામાં ભેળવાયા હોવા છતાં, આજદિન સુધી વિકાસના કામો અધૂરા છે. મહાનગરપાલિકાએ રૂડા પાસેથી આ વિસ્તારોનો કબ્જો લઈને ટેક્સ વસૂલવાનું શરૂ તો કરી દીધું છે, પરંતુ પાણીની લાઈન, ડ્રેનેજ સિસ્ટમ, કચરો ઉપાડવાની વ્યવસ્થા અને નિયમિત સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરું પાડવામાં નિષ્ફળ ગઈ છે.
વોર્ડ નં. ૭, ૧૧ અને ૧૮ રાજકોટના સૌથી મોટા અને મહત્વપૂર્ણ વોર્ડ ગણાય છે. વોર્ડ-૭માં શહેરનો મુખ્ય કોમર્શિયલ વિસ્તાર હોવાથી ટ્રાફિક અને દબાણની સમસ્યા ગંભીર બની છે, જ્યારે વોર્ડ-૧૧ (મોટામૌવા) અને વોર્ડ-૧૮ (કોઠારિયા)માં કચરો ઉપાડવા અને સફાઈના પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. સ્થિતિ એ છે કે શહેરના મધ્ય વિસ્તારમાં સફાઈકામદારોની સંખ્યા વધારે છે, જ્યારે સીમાવર્તી વિસ્તારોમાં કામ કોન્ટ્રાક્ટ પર ચાલે છે, જેના કારણે સેવાઓ અપૂર્ણ રહે છે. નવા ગામોમાં આજે પણ પાણીની લાઈન નાંખવામાં આવી નથી, જ્યારે મિલકતવેરો નિયમિત વસૂલવામાં આવે છે. વિસ્તારોમાં પાણી પુરવઠા માટે નવા ટાંકા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ આ દિશામાં પણ કોઈ સ્પષ્ટ આયોજન જોવા મળતું નથી.
સાઉથ ઝોન બનાવવાનો નિર્ણય લેવાયો હોવા છતાં, તેમાં કયા વોર્ડનો સમાવેશ કરવો અને તેનું વહીવટી માળખું કેવી રીતે હશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસતા નથી. દેશને ૨૦૪૭ સુધી વિકસિત બનાવવા મોટા મોટા દાવા થઈ રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ વિઝન જમીન પર ક્યાંય દેખાય છે? રાજકોટ જેવી શહેરી વાસ્તવિકતા જોતા લાગે છે કે આ બધું માત્ર ભાષણો સુધી જ સીમિત છે. રાજકોટ મહાનગરપાલિકા ૨૦૩૦ માટેના પોતાના આયોજનને જ ગોઠવી શકતી નથી, ત્યારે ૨૦૪૭ના સપનાઓ પર લોકો કેવી રીતે વિશ્વાસ રાખે?
નવા જોડાયેલા ગામોમાં વર્ષો વીતી ગયા, છતાં પાણીની લાઈન નથી, ડ્રેનેજ સિસ્ટમ નથી, કચરો ઉઠાવવાની વ્યવસ્થા નથી. વોર્ડ નં. ૭, ૧૧ અને ૧૮માં હાલત એટલી ખરાબ છે કે લોકો રોજિંદા પ્રશ્નોથી ત્રસ્ત છે. શહેરના મધ્યમાં ટ્રાફિકનો તાંડવ અને સીમા વિસ્તારમાં ગંદકીનો રાજ આ બે ચહેરા રાજકોટના વિકાસની હકીકત બતાવે છે. મનપા પાસે બહાના ઘણાં છે: રૂડા પાસેથી વિસ્તાર મળ્યો, સ્ટાફ નથી, પ્લાનિંગ બાકી છે. પરંતુ સવાલ એ છે કે જવાબદારી કોણ લેશે? નાગરિકો ટેક્સ આપે, પણ સુવિધા માટે રાહ જુએ આ સિસ્ટમ ક્યારે બદલાશે?
સાઉથ ઝોનના નામે જાહેરાત થઈ ગઈ, પરંતુ આજે પણ તેની રચના, અધિકારીઓ અને ટેકનિકલ માળખું કાગળ પર જ છે. આ ધીમી ગતિ અને અસ્પષ્ટતા વિકાસના દાવાઓને ખોખલા બનાવે છે. એક તરફ દેશ વિકસિત ભારતના સપના જોઈ રહ્યો છે, બીજી તરફ રાજકોટમાં લોકો પાણી, સફાઈ અને રોડ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસંગતિ માત્ર ચિંતાજનક નથી પણ સિસ્ટમની નિષ્ફળતાનું સાબિતી છે.
જો આજના પ્રશ્નો ઉકેલાશે નહીં, તો વિઝન 2047 માત્ર એક રાજકીય નારો બનીને રહી જશે
-
ટેક્સ પહેલા, સુવિધા શા માટે નહીં?
-
પ્લાનિંગ વગર વિસ્તાર શા માટે ભેળવાયા?
-
જવાબદારી કોણ લેશે?