Loading Please Wait !!!
ગેંગસ્ટર લોરેન્સ હનુમાનજીનો ભક્ત, તે યુવતિઓથી દૂર રહે છે !

» તિહાર જેલના અધિકારી અજય ભાટિયાનો સનસનીખેજ ઈન્ટરવ્યુ

» જેલરે કહ્યું: લોરેન્સની માનસિકતા વાંચવા તેમણે તેની સાથે એક કલાક વાત કરી હતી

» મંગળવાર-શનિવારે તે ચા પણ નથી પીતો ઉપવાસ રાખે છે

» અજય ભાટિયાએ જ લોરેન્સને બીજી જેલમાં શિફ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

» સાબરમતીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા

» જેલમાં અંદર દરરોજ સુંદર કાંડના પાઠ કરે છે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સાયકોલોજી અને તેની જેલની અંદરની દબદબાની કહાની એક સાથે અનેક વિરોધાભાસોથી ભરેલી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ જેલ અધિકારી અજય ભાટિયાના ખુલાસા મુજબ, લોરેન્સ એક તરફ કડક ધાર્મિક જીવનશૈલી અપનાવે છે, જ્યારે બીજી તરફ જેલની અંદર તેની ગેંગ અને પ્રભાવ યથાવત રહે છે. ભાટિયાના જણાવ્યા પ્રમાણે, લોરેન્સ સાથે થયેલી લગભગ એક કલાકની મુલાકાત દરમિયાન તેની માનસિકતા સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન લોરેન્સે ચા પીવાની પણ ના પાડી હતી, કારણ કે તે મંગળવાર અને શનિવારે ઉપવાસ રાખે છે. લોરેન્સ પોતાને હનુમાનજીનો પરમ ભક્ત ગણાવે છે અને દરરોજ સુંદરકાંડનો પાઠ કરતો હોવાનું કહેવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, લોરેન્સ પોતાની જીવનશૈલીમાં બ્રહ્મચર્યનું કડક પાલન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તે લંગોટનો પાકો હોવાનો દાવો કરે છે અને તેની ગેંગના મોટા ભાગના સભ્યો પણ અપરિણીત હોવાનું કહેવામાં આવે છે. યુવતીઓથી દૂર રહેવાની તેની માનસિકતા તેને અન્ય ગેંગસ્ટરો કરતા અલગ બનાવે છે.

પરંતુ તેની આ ધાર્મિક છબીની સાથે જ જેલની અંદર તેનો દબદબો પણ એટલો જ મજબૂત હોવાનું જણાય છે. જેલમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગ અને ગેંગની ગતિવિધિઓને લઈને જ્યારે અધિકારીઓએ તેને અન્ય જેલમાં શિફ્ટ કરવાની ચર્ચા કરી, ત્યારે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. એક પ્રસંગે જેલના મુખ્ય સુપરિન્ટેન્ડેન્ટ અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાએ તંત્રને ચોંકાવી દીધું હતું. આ અથડામણ બાદ તાત્કાલિક અસરથી લોરેન્સને ૮-૯ નંબર જેલમાં અને બાદમાં સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

વિશેષજ્ઞોના મત અનુસાર, લોરેન્સની સાયકોલોજી ડ્યુઅલ પર્સનાલિટી દર્શાવે છે--- એક બાજુ ભક્તિ અને શિસ્તબદ્ધ જીવન, તો બીજી બાજુ અન્ડરવર્લ્ડમાં મજબૂત પકડ. જેલમાં હોવા છતાં તેની અસર અને નેટવર્ક ચાલુ રહે છે, જે કાયદા અને વ્યવસ્થાની સિસ્ટમ માટે ગંભીર પડકાર સમાન છે. આ સમગ્ર મામલો એ સવાલ ઊભો કરે છે કે, શું માત્ર જેલમાં રાખવાથી આવા ગેંગસ્ટરોના પ્રભાવને રોકી શકાય? કે પછી જેલની અંદર ચાલતી અદ્રશ્ય સિસ્ટમને તોડવાની જરૂર છે?