Loading Please Wait !!!
અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી

  • ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, હોર્મુઝની ખાડી ટૂંક સમયમાં ફરી ખુલશે
  • અમેરિકા ઈરાનના ફ્રીઝ થયેલા 24 અબજ ડોલરનું ફંડ મુક્ત કરવા સહમત થયું
  • પરમાણુ હથિયાર ન બનાવવાના વચન સાથે આગામી રવિવારે સત્તાવાર હસ્તાક્ષર થશે

સિટી ન્યુઝ @ વોસિંગટન 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર પર સહમતી બની ગઈ છે, જેના પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ સમજૂતી થવાથી વ્યાપારી અને વ્યૂહાત્મક રીતે વિશ્વભરમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાનો રસ્તો સાફ થઈ જશે. આ નવી ડીલ એ સુનિશ્ચિત કરશે કે ઇરાન ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયારો વિકસાવી શકશે નહીં અને મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થપાશે.

બંને દેશો વચ્ચેનો આ પ્રસ્તાવિત કરાર મુખ્યત્વે 14 મોટી શરતો પર આધારિત છે, જેમાં ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક રાહત મળવા જઈ રહી છે. કરાર મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ્સની નિકાસ પરના પ્રતિબંધો હટાવી લેવાશે અને તેને વૈશ્વિક બેંકિંગ વ્યવસ્થાનો એક્સેસ પાછો મળશે. આ ઉપરાંત અમેરિકા દ્વારા જપ્ત કરાયેલા ઇરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે, જેમાંથી 12 અબજ ડોલર તો વાતચીત શરૂ થતાં પહેલાં જ રીલીઝ કરવા પડશે. અમેરિકા અને તેના સાથી દેશોએ ઇરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે અને લેબનાન સહિતના તમામ મોરચે તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થશે.

આ કરાર અંતર્ગત અમેરિકા 30 દિવસમાં ઇરાન આસપાસથી નૌસૈનિક નાકાબંધી હટાવી લેશે અને પોતાની સેના પાછી ખેંચશે. પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે 60 દિવસનો સત્તાવાર સમયગાળો શરૂ થશે, જે દરમિયાન ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાનું પોતાનું વચન વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા આ આખરી કરારને મંજૂરી આપવામાં આવશે. જોકે, ઈરાનનો મિસાઈલ પ્રોગ્રામ આ ડીલની બહાર રાખવામાં આવ્યો છે અને ઈરાન પોતાની શરતો મુજબ શરૂઆતી ફંડ રિલીઝ થયા બાદ જ આખરી સત્તાવાર વાટાઘાટો શરૂ કરશે.

વૈશ્વિક અર્થતંત્ર પર સકારાત્મક અસર અમેરિકા અને ઈરાન વચ્ચેના આ ઐતિહાસિક કરારથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં મોટી રાહત મળવાની સંભાવના છે. હોર્મુઝની ખાડી વ્યાપારી જહાજો માટે ફરી ખુલતા આંતરરાષ્ટ્રીય વ્યાપાર વેગવંતો બનશે. મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિનો અંત આવતા વૈશ્વિક શેરબજારો અને અર્થતંત્રને નવી મજબૂતી મળશે જે તમામ દેશો માટે ફાયદાકારક સાબિત થશે.