Loading Please Wait !!!
રાજકોટમાં ગેલેક્સી કપ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

» ફિફા વર્લ્ડ કપના માહોલ વચ્ચે અંડર 14 અને 17 ટુર્નામેન્ટ

» પ્રથમ દિવસે ટીજીએસ વાડી અને એસજીવીપી રીબડાનો વિજયી પ્રારંભ

» આગામી 17 જૂનના રોજ રમાશે ઐતિહાસિક ટુર્નામેન્ટની ફાઈનલ મેચો

 

સિટી ન્યૂઝ@રાજકોટ

ફૂટબોલના વૈશ્વિક મહાકુંભ ફિફા વર્લ્ડ કપની ધૂમ વચ્ચે રાજકોટમાં પણ સ્કૂલ સ્તરે ફૂટબોલનો રોમાંચ છવાયો છે. ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન રાજકોટ અને ગેલેક્સી સ્કૂલ, વાડીના સંયુક્ત ઉપક્રમે "ગેલેક્સી કપ" અંડર ૧૪ અને અંડર ૧૭ ઓપન રાજકોટ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ગેલેક્સી સ્કૂલ, અવધ રોડ ખાતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં વિવિધ સ્કૂલોની ટીમો વચ્ચે ઉત્સાહજનક અને સ્પર્ધાત્મક મુકાબલાઓ જોવા મળી રહ્યા છે.

અંડર ૧૪ વિભાગમાં એસજીવીપી રીબડા, ટીજીએસ વાડી, સન શાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમોએ ભાગ લીધો છે. શનિવારે રમાયેલી મેચોમાં

ટીજીએસ વાડીની ટીમે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલને ૬-૦ના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. જ્યારે એસજીવીપી રીબડાની ટીમે સન શાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ૫-૦થી એકતરફી જીત નોંધાવી હતી.

અંડર ૧૭ વિભાગમાં એસજીવીપી રીબડા, એસપીસીજી સ્કૂલ જેતપુર, ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીજીએસ વાડી, સન શાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ

તથા સર્વોદય સ્કૂલની ટીમો મેદાનમાં ઉતરી છે. આ વિભાગમાં રમાયેલી મેચોમાં એસજીવીપી રીબડાએ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલને ૫-૦થી હરાવી પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી હતી. બીજી તરફ ટીજીએસ વાડીએ સન શાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ૩-૦થી વિજય મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

આયોજકોના જણાવ્યા અનુસાર ૧૫.૬.૨૬ના રોજ બંને કેટેગરીની વધુ

લીગ મેચો રમાડવામાં આવશે, જેમાં ટીમો નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવવા માટે જોરદાર પ્રયાસ કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચો ૧૭.૬.૨૬ના રોજ સવારે ૮.૦૦ કલાકે અને ૯.૩૦ કલાકે રમાડવામાં આવશે.

ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા, રોહિત બુઢેલા, અમૃતલાલ બૌરાસી, દીપક યશવંતે, જીતેન્દ્ર આબલિયા, છોટુભાઈ કાચા, જાહિદ માલિક તેમજ ગેલેક્સી સ્કૂલના સુનીલ ગુસાઈ, અનિલ, વિરલ, જીતેન્દ્ર ગરાળા સહિતના સ્પોર્ટ્સ ટીચર્સ અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકો દ્વારા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે રસ વધે અને ફૂટબોલને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

  • રાજકોટ જિલ્લા ટીમની પસંદગી માટે મહત્વપૂર્ણ તક
  • જીનીયસ-એક્સપ્રેસ કપથી ફૂટબોલ પ્રતિભાને મંચ
  • U-14, U-17 અને સિનિયર બહેનોની ટુર્નામેન્ટનું આયોજન

ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા આયોજિત તથા જીનીયસ સ્કૂલ અને એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર્સ કંપનીના પ્રાયોજકત્વ હેઠળ "જીનીયસ-એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર્સ કપ" U-૧૪, U-૧૭ તથા સિનિયર બહેનોની ઓપન

રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો પ્રારંભ ૧૬.૦૬.૨૦૨૬થી થશે. આ સ્પર્ધામાં વિવિધ વયજૂથની મહિલા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે. આયોજકોના જણાવ્યા અનુસાર U-૧૪ બહેનોની ટુર્નામેન્ટ ૧૬.૦૬.૨૦૨૬થી શરૂ

કરવામાં આવશે, જ્યારે અન્ય કેટેગરીની સ્પર્ધાઓ પણ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. ટુર્નામેન્ટનું વિશેષ મહત્વ એ છે કે આ સ્પર્ધાના પ્રદર્શનના આધારે રાજકોટ જિલ્લા ફૂટબોલ ટીમની પસંદગી કરવામાં આવશે. જેના કારણે ખેલાડીઓ માટે જિલ્લાક્ષાની ટીમમાં સ્થાન મેળવવાની

મહત્વપૂર્ણ તક ઊભી થઈ છે. રાજકોટમાં મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને આગળ લાવવાના હેતુથી યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, ઉસ્માનભાઈ બેલીમ અને બી. કે. જાડેજાની આગેવાની હેઠળ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકો દ્વારા રમતગમતના વિકાસ સાથે મહિલા ફૂટબોલને વધુ વેગ મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.