બ્રાઝીલ: 2 હેલિકોપ્ટર હવામાં ટકરાયા, 6 લોકોના ભયાનક મોત
- પાર્કિંગમાં પડતાં 20 કાર ખાખ, ગાયક ઓલિવર ટ્રીના મોતની આશંકા
- જમીન પર પડતા જ ભયાનક બ્લાસ્ટ, યુટ્યુબર ગેસ્પીનું પણ મોત
- 20 ઇલેક્ટ્રિક કાર બળીને ખાખ, ઓલિવર ટ્રીના મોતની પ્રબળ આશંકા
સિટી ન્યુઝ @ રિયો ડી જેનેરિયો
બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં રવિવારે સવારે 2 હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાતા એક અત્યંત ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. આ બંને હેલિકોપ્ટર શહેરના પશ્ચિમી વિસ્તારમાં આવેલા એક ઇલેક્ટ્રિક વ્હીકલ ડીલરશિપના પાર્કિંગમાં જઈને ખાબક્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પોલીસે વ્યક્ત કરેલી આશંકા મુજબ, મૃતકોમાં પ્રખ્યાત અમેરિકન ગાયક અને હાસ્ય કલાકાર ઓલિવર ટ્રી પણ સામેલ હોવાની પૂરી શક્યતા છે, જો કે હજુ સુધી તેમના મૃતદેહની સત્તાવાર ઓળખ થઈ શકી નથી.
ફાયર બ્રિગેડના રિપોર્ટ અનુસાર, હવામાં ટક્કર બાદ જમીન પર પડતાં જ એક હેલિકોપ્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટના કારણે લાગેલી આગ જોતજોતામાં પાર્કિંગમાં ઉભેલી અન્ય ગાડીઓ સુધી ફેલાઈ ગઈ હતી. આગની લપેટમાં આવવાને કારણે ઓછામાં ઓછા 20 ઇલેક્ટ્રિક વાહનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં કેટલાય વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ અને બચાવ દળે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે હવામાં આ 2 હેલિકોપ્ટર વચ્ચે ટક્કર કયા કારણોસર થઈ હતી, પરંતુ સત્તાવાળાઓએ આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે. એવિએશન ઓથોરિટીઝને સોંપવામાં આવેલી મુસાફરોની યાદીમાં ગાયક ઓલિવર ટ્રીનું નામ સામેલ હતું. આ ઉપરાંત આર્જેન્ટિનાની એક સ્ટ્રીમિંગ ચેનલના જણાવ્યા અનુસાર, યુટ્યુબ પર 2.8 મિલિયન ફોલોઅર્સ ધરાવતો 23 વર્ષીય પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર ગેસ્પર પ્રિમ ડિયાઝ ઉર્ફે ગેસ્પી પણ આ હેલિકોપ્ટરોમાંથી એકમાં સવાર હતો.
ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ બ્રાઝીલ પ્રશાસને આ ભયાનક દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. હવામાં 2 હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કર પાછળ ટેકનિકલ ખામી હતી કે પછી પાયલટની કોઈ મોટી ભૂલ, તે જાણવા માટે બ્લેક બોક્સની શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રખ્યાત સેલિબ્રિટીઝના મોતની આશંકાને પગલે સમગ્ર વિશ્વના મીડિયા અને ચાહકોની નજર હાલમાં બ્રાઝીલના સત્તાવાળાઓ દ્વારા થનારી સત્તાવાર જાહેરાત અને રિપોર્ટ પર ટકેલી છે.