'હેલ્ધી' ના નામે ફૂડ વેંચતી 8 કંપનીને FSSAI ની નોટિસ
- નામમાં નાટક નિયમોનો ભંગ; અંતે તંત્ર જાગ્યુ ખરા
- ■ 'ઝીરો મેંદા બ્રેડ' અને 'ટ્રૂ વિટામિન' જેવા નામથી હેલ્થ પેકેટોનું વેચાણ એ નિયમોનું ઉલ્લંઘન
- ■ ભ્રામક દાવા કરતી 'ઈમામી' કંપનીને પણ નોટિસ
fssai | ખોટા અને ભ્રામક દાવા કરનારા સામે કડક કાર્યવાહી થશે: FSSAI
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ રવિવારે દેશની ૮ મોટી ફૂડ કંપનીઓને કારણદર્શક નોટિસ જારી કરી છે. આ કંપનીઓ પર તેમના ઉત્પાદનોના બ્રાન્ડ નામ, ટ્રેડ નામ અને જાહેરાતોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા દાવા કરવાનો આરોપ છે. રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ આવા ભ્રામક નામો રાખવા સખત પ્રતિબંધિત છે.
સવાલ ૧: FSSAIએ આ મોટી કાર્યવાહી શા માટે કરી છે અને મુખ્ય મામલો શું છે? જવાબ: બજારમાં ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનો વેચવા માટે એવા બ્રાન્ડ નામ અથવા ટ્રેડ નેમનો ઉપયોગ કરી રહી છે, જે ગ્રાહકોને ખોટી માહિતી આપે છે. રેગ્યુલેટરે શોધી કાઢ્યું કે આ ૮ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેઓ એવા દાવા કરી રહ્યા હતા જે તેમના ઉત્પાદનોની ગુણવત્તા સાથે સુસંગત ન હતા.
સવાલ ૨: કઈ-કઈ ૮ કંપનીઓને રેગ્યુલેટરે નોટિસ ફટકારી છે? જવાબ: FSSAIએ જે કંપનીઓને અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા નોટિસ જારી થવાની જાણકારી આપી છે, તેમના નામ આ મુજબ છે: ઈમામી હેલ્ધી એન્ડ ટેસ્ટી (Emami Healthy & Tasty), હેલ્થ એડ (Health Aid), ટ્રુવી (Troovy), ધ હેલ્ધી ફેક્ટરી (The Healthy Factory), હેલ્ધી માસ્ટર (Healthy Master), હેલ્ધી ચોઈસ (Healthy Choice), પ્લાન બી (Plan B), ન્યૂહર્બ્સ (Neuherbs)
સવાલ ૩: કોલકાતાના ઈમામી ગ્રુપની કંપની 'ઈમામી હેલ્ધી એન્ડ ટેસ્ટી' પર શું આરોપ છે? જવાબ: આ કાર્યવાહીમાં સૌથી મોટું અને મુખ્ય નામ કોલકાતા સ્થિત ઈમામી ગ્રુપના કુકિંગ ઓઈલ ડિવિઝન 'ઈમામી હેલ્ધી એન્ડ ટેસ્ટી' નું છે. FSSAI અનુસાર આ બ્રાન્ડનું ટ્રેડ નામ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.રેગ્યુલેટરે જણાવ્યું કે આ નામ પ્રથમ દ્રષ્ટિએ FSSAI ના લાગુ નિયમોથી વિપરીત જણાય છે, કારણ કે તે સીધી રીતે પ્રોડક્ટના 'હેલ્ધી' હોવાનો દાવો કરે છે જે કોઈ નક્કર પુરાવા વિના સાચું નથી.
સવાલ ૪: 'ધ હેલ્ધી ફેક્ટરી' ના 'ઝીરો મેંદા' ના દાવાઓ પર શું વાંધો ઉઠાવવામાં આવ્યો છે? જવાબ: 'ધ હેલ્ધી ફેક્ટરી' તેના ઉત્પાદનોને 'ઝીરો મેંદા હોલ વ્હીટ બ્રેડ' ના નામથી વેચે છે. FSSAIની તપાસમાં સામે આવ્યું કે આ બ્રેડમાં ચક્કી ફ્રેશ લોટની સાથે 'વ્હીટ ગ્લુટેન' પણ સામેલ છે. આમ છતાં તેને 'ઝીરો મેંદા' તરીકે પ્રચારિત કરવું ગ્રાહકોને ભ્રમિત કરવા સમાન છે. આ ઉપરાંત, કંપનીના 'ઝીરો મેંદા પિઝા બેઝ' પર પણ આ જ વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે આ દાવા સંપૂર્ણપણે નિયમોનું ઉલ્લંઘન છે.
સવાલ ૫: 'પ્લાન બી' કંપની પર વીગન પ્રોડક્ટ્સને લઈને શું ગડબડ જોવા મળી? જવાબ: પ્લાન બી કંપની પોતાના ઉત્પાદનોને પ્લાન્ટ બેઝ્ડ વીગન કહીને બજારમાં વેચી રહી છે. FSSAI ના નિયમો મુજબ, કોઈપણ ઉત્પાદનને વીગન ઘોષિત કરવા અને તેના પ્રચાર માટે પોતાના FSSAI લાઈસન્સમાં 'વીગન ફૂડ એન્ડોર્સમેન્ટ' મંજૂરી લેવી જરૂરી હોય છે. આ કંપનીએ આવી કોઈ મંજૂરી લીધી ન હતી, છતાં ગ્રાહકોને એવો અહેસાસ કરાવ્યો કે તેમના ઉત્પાદનો પ્રમાણિત વીગન છે.
સવાલ ૬: ન્યૂહર્બ્સના 'True Vitamin' અને હેલ્થ એડના બ્રાન્ડ નામમાં શું ખામી મળી? જવાબ: ન્યૂહર્બ્સ કંપનીની એક સંપૂર્ણ પ્રોડક્ટ લાઈન છે જેનું નામ 'ટ્રૂ વિટામિન' છે. FSSAI એ આ અંગે જણાવ્યું કે 'True Vitamin' જેવું ટ્રેડ નામ FSSAI ના કોઈપણ રેગ્યુલેશન હેઠળ ન તો વ્યાખ્યાયિત છે અને ન તો તેને માન્યતા પ્રાપ્ત છે. આવા બિન-માન્યતા પ્રાપ્ત શબ્દોનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેમજ, હેલ્થ એડ ના બ્રાન્ડ નામને પણ આ જ આધારે ફ્લેગ કરવામાં આવ્યું છે કે આ નાગ પ્રોડક્ટને લઈને ભ્રમ પેદા કરે છે.