રશિયન ઓઇલ ટેન્કર પર બ્રિટિશ કમાન્ડો ત્રાટક્યા: 22 ભારતીયો ફસાયા
- હવામાંથી દિલધડક ઓપરેશન પાર પાડી જહાજ કબ્જે કર્યું, એક 38 વર્ષીય ભારતીય નાગરિકની કડક અટકાયત
- રશિયાના 'શેડો ફ્લીટ'ના જહાજ પર મરીન કમાન્ડોનો દરોડો, 22 ભારતીય નાવિકોનો જીવ તાળવે ચોંટ્યો
- હેલિકોપ્ટરથી દોરડા વાટે કમાન્ડો ઉતર્યા, પ્રતિબંધિત ઓઇલ ટેન્કર કબ્જે કરી 1 ભારતીયની કરી ધરપકડ
સિટી ન્યુઝ @ લંડન
બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે એક અત્યંત મોટું અને દિલધડક ઓપરેશન હાથ ધરીને રશિયાના શંકાસ્પદ ઓઇલ ટેન્કર 'સ્મર્ટોસ' પર કબજો જમાવ્યો છે. મરીન કમાન્ડો અને નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા 6 કલાક સુધી હવામાંથી હેલિકોપ્ટરની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. કેમરૂનનો ધ્વજ ફરકાવતું આ જહાજ રશિયાના 'શેડો ફ્લીટ'નો ભાગ હોવાની પ્રબળ આશંકા છે. આ આક્રમક કાર્યવાહી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે મોટો આંચકો છે, પરંતુ તેણે ભારતની ચિંતામાં પણ મોટો વધારો કર્યો છે કારણ કે આ શંકાસ્પદ જહાજ પર કામ કરનારો મોટા ભાગનો સ્ટાફ ભારતીયોનો છે.
આ કથિત રશિયન ઓઇલ ટેન્કર પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર છે, જેમાંથી 22 ભારતીય અને 2 જોર્જિયાના નાગરિકો છે. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ઉલ્લંઘનની આશંકાએ 38 વર્ષીય એક ભારતીય નાગરિકની અટકાયત કરીને કડક પૂછપરછ શરૂ કરી છે. જોકે, બાકીના તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને તપાસમાં સહયોગ આપી રહ્યા છે. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે આ ઐતિહાસિક સૈન્ય સફળતા બદલ સેનાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી રશિયાને આર્થિક અને વ્યૂહનીતિના મોરચે મોટો ઝટકો લાગ્યો છે અને યુક્રેન યુદ્ધને ફંડિંગ કરનારાઓને ક્યાંય પણ છુપાવવા દેવામાં આવશે નહીં.
સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલા એક રોમાંચક વીડિયોમાં આધુનિક એસોલ્ટ રાઈફલોથી સજ્જ કમાન્ડો શક્તિશાળી હેલિકોપ્ટરોમાંથી દોરડા વાટે જહાજ પર ઉતરતા જોઈ શકાય છે. આ સમગ્ર ઓપરેશનમાં રોયલ એરફોર્સના P-8A સમુદ્રી વિમાન અને નેવીના શક્તિશાળી જહાજોએ પણ ભાગ લીધો હતો. બ્રિટિશ સરકારનો આરોપ છે કે રશિયા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધોથી બચવા માટે આવા જૂના થઈ ગયેલા ઓઇલ ટેન્કરોનો ઉપયોગ કરી રહ્યું છે. દુનિયાભરમાં આવા આશરે 700 જેટલા શંકાસ્પદ જહાજો સક્રિય છે, જેમાંથી 600 જેટલા જહાજો પર બ્રિટને અત્યાર સુધીમાં આકરો પ્રતિબંધ લાદી દીધો છે.
રશિયાનું ગુપ્ત શેડો ફ્લીટ આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધોથી બચવા માટે રશિયાએ એક ગુપ્ત કાફલો બનાવ્યો છે જેને 'શેડો ફ્લીટ' કહેવાય છે. આ કાફલામાં 700 થી વધુ જૂના અને શંકાસ્પદ ઓઇલ ટેન્કરો સામેલ છે. રશિયા આ જહાજો મારફતે પોતાના પ્રતિબંધિત ઓઇલના 75 ટકા હિસ્સાની ગેરકાયદેસર હેરાફેરી કરે છે. તેમાંથી મળતા નાણાંનો સીધો ઉપયોગ યુક્રેન યુદ્ધના ફંડિંગ માટે કરવામાં આવે છે.