Loading Please Wait !!!
સસ્તા સોલારના નામે છેતરપિંડી રાજકોટમાં 101મી ફરિયાદ

  • ફેસબુક પર સસ્તા સોલારની જાહેરાત જોઈ કોઠારિયાના યુવાને 1.50 લાખ ગુમાવ્યા
  • લોન પાસ કરાવી ખાતામાંથી પૈસા અને હપ્તા પણ કાપી લીધા
  • જામનગરમાં 100 થી વધુ ગુના આચરનાર ટોળકી સામે આજીડેમ પોલીસમાં ગુનો

સિટી ન્યૂઝ@રાજકોટ : ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બજાર ભાવ કરતા સસ્તામાં સોલાર પેનલ નાખી આપવાની લોભામણી જાહેરાતો મૂકી લોકોના પરસેવાની કમાણી લૂંટતી ટોળકી સામે વધુ એક ફરિયાદ રાજકોટમાં નોંધાઈ છે. જામનગરમાં 100 થી વધુ લોકોને શિકાર બનાવનાર આ ભેજાબાજ ટોળકી વિરુદ્ધ હવે રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં 101 મો ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટના કોઠારીયા રોડ પર ખોડલધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા નિતેશ બાબુ પીઠવા (ઉ.વ. 44) એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2025 માં તેમણે ફેસબુક પર 'ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા ધીરજ નામના શખ્સે સસ્તા ભાવે સોલાર પેનલ બેસાડી આપવાની ખાતરી આપી 1.48 લાખનું કોટેશન મોકલી આપ્યું હતું.

નિતેશે લોન લેવાની ઈચ્છા દર્શાવતા આરોપીઓએ બજાજ ફાયનાન્સના નામે ફોન કરી જરૂરી દસ્તાવેજો મેળવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ જણાવ્યું કે 1,31,000 ની લોન મંજૂર થઈ છે અને તે કંપનીના ખાતામાં જમા થઈ ગઈ છે. બાકીના 16,000 નિતેશ પાસેથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. પૈસા મળી ગયા બાદ પેનલ ફિટ કરવા માટે વારંવાર વાયદા કરવામાં આવ્યા. આ દરમિયાન નિતેશના બેંક ખાતામાંથી લોનના બે હપ્તા પણ કપાઈ ગયા, છતાં કોઈ કામ થયું નહીં અને ફોન બંધ થઈ ગયા હતા.

જ્યારે બજાજ ફાયનાન્સના કર્મચારીઓ ઘરે તપાસ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે ત્યાં કોઈ પેનલ લાગી જ નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કંપનીના માલિકો કાના મેરામ બદીયાવદરા, હિરેન નાથા લાઠીયા અને ચેતન પાણખાનીયા છે. 4 મહિના પહેલા જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આ જ ટોળકીના હિરેન લાઠીયા, ચેતન પાણખાણીયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસ તપાસમાં આ ટોળકીએ 100 થી વધુ લોકો સાથે સોલાર પેનલના નામે કરોડોની છેતરપિંડી કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ એસ. જે. ચૌહાણે ધીરજ, કાના, હિરેન અને ચેતન વિરુદ્ધ ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.