ચોરીની શંકાએ શ્રમિકને માર મારતાં મોત, 9 સામે ફરિયાદ
- મધરવાડાની ફેક્ટરીમાં ખાટલાથી બાંધી મારકુટનો આરોપ; માલિકના પુત્ર, મેનેજર સહિત આરોપીઓની શોધખોળ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મધરવાડા ગામની ફાબ્યા એલૉય પ્રા. લિ.માં કોપર પાયર ચોરીની શંકાના આધારે એક શ્રમિકને ખાટલા સાથે બાંધી મારવામાં આવ્યો હોવાના આરોપ વચ્ચે તેનું મોત નીપજતાં કુવાડવા રોડ પોલીસે માલિકના પુત્ર, મેનેજર સહિત ૯ શ્રમિકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ફેક્ટરીમાં મજૂરી કરતા સર્વેશ સુશીલકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના પિતાઈ ભાઈ ચંદ્રવીર ભગવતી ચૌહાણ છેલ્લા બે મહિનાથી ફેક્ટરીમાં કામ કરતા હતા. મેનેજરે ચંદ્રવીર પાસે અંદાજે ૩૫ કિલો કોપર પાયર મળ્યાનો દાવો કરી તેમને ફેક્ટરીમાં લાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, બુધવારે સવારે ચંદ્રવીરને ફેક્ટરીના ગેટ પાસે ખાટલા પર ઊંધા સુવડાવી દોરીથી બાંધી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોરીમાં અન્ય કોણા સામે છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને મશીનના પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. મારકૂટ દરમિયાન તેઓ બેભાન થઈ જતા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા.
આ કેસમાં સાહિલ લિંવાસિયા, શનિ રૈયાણી, પાર્થ હાપલિયા, ડૈનિશ હાપલિયા, સત્યમ ડોબરિયા, રમેશ સિદ્ધાર્થ, વિશાળ જાટ, રાજુ ઠાકોર, મુન્ના વર્મા તથા અન્ય અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મારકૂટ દરમિયાન વધુ માર ન મારવા વિનંતી કરવા છતાં હુમલો ચાલુ રાખવામાં આવ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.