Loading Please Wait !!!
માત્ર બે સ્કૂલની ગેટ બહારની તસવીરો: નિર્મલા સ્કૂલ પાસે ટ્રાફિકનો તાંડવ !

  • મેદાન છે તો વાલીઓને અંદર પ્રવેશ કેમ નહીં ?
  • નિર્મલા સ્કૂલ પાસે ટ્રાફિકનો તાંડવ !
  • પોલીસ અને મહાપાલિકા તંત્ર થોડું વિચારશે તો પાર્કિંગથી ટ્રાફિકજામ અટકશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં દિવસે દિવસે વધતા ટ્રાફિકજામે નાગરિકોને હેરાન પરેશાન કરી દીધા છે, પરંતુ જવાબદાર તંત્ર હજુ પણ મૌન દર્શક બની રહ્યું છે. ખાસ કરીને શાળાઓની આસપાસ સર્જાતો ટ્રાફિકજામ હવે ગંભીર સમસ્યા બની ગયો છે, છતાં કોઈ કડક કાર્યવાહી થતી જોવા મળતી નથી.

નિર્મલા સ્કૂલ પાસે વિશાળ મેદાન હોવા છતાં, શાળા દ્વારા વાલીઓ, સ્કૂલ વાન અને રિક્ષાઓને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. પરિણામે, સ્કૂલ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી જાય છે અને ભારે ટ્રાફિકજામ સર્જાય છે. આસપાસના વિસ્તારના લોકોને રોજબરોજ તોબા-તોબા પોકારવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

  • નિર્મલા સ્કૂલ પાસે મોટું મેદાન અને પાર્કિંગની વ્યવસ્થા છે

સ્થાનિકોમાં રોષ છે જ્યારે સમસ્યાઓ સરળ ઉકેલ શાળાના કેમ્પસમાં જ ઉપલબ્ધ છે, ત્યારે તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા કે અમલ જોવા મળતો નથી, જેના કારણે ટ્રાફિકનો બોજ સામાન્ય નાગરિકોને સહન કરવો પડે છે.

ટ્રાફિક નિષ્ણાતોનું માનવું છે કે શહેરમાં ટ્રાફિકજામ ઘટાડવા માટે કડક નિયમો લાવવાની જરૂર છે અને તેની શરૂઆત શાળાઓથી જ થવી જોઈએ. શાળા સંચાલકોને જવાબદારીપૂર્વક વર્તન કરી કેમ્પસનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, જેથી રોડ પરનો દબાણ ઓછો થાય.

હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈ ક્યારે જાગશે અને અસરકારક પગલાં લેશે, કે પછી નાગરિકોને આવી જ પરેશાનીનો સામનો કરવો પડશે.

  • અહીં ફક્ત વાલીઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે
  • સેન્ટ મેરી સ્કૂલ પાસે મોટી દુર્ઘટનાની રાહ?
  • કાલાવડ મેઈન રોડ ઉપર સ્કૂલ સંચાલકો સ્કૂલવાન કે રિક્ષાને અંદર પ્રવેશ નહીં આપતા બાળકો જેવો રોડ ઉપર આવી જાય છે
  • સેન્ટમેરી સ્કૂલ પાસે પણ જબરદસ્ત પાર્કિંગની વ્યવસ્થા છે તો આવું કેમ ?

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સેન્ટ મેરી સ્કૂલ સામે ટ્રાફિક અને સલામતીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સ્કૂલ પાસે વિશાળ મેદાન હોવા છતાં, ત્યાં માત્ર વાલીઓને જ પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે સ્કૂલ વાન અને રિક્ષાઓને અંદર પ્રવેશ ન આપતા રોડ પર ભારે અવ્યવસ્થા સર્જાય છે.

સ્કૂલ છૂટવાના સમયે બાળકો સીધા રોડ પર ઉતારવામાં આવે છે, જેના કારણે વાહનો વચ્ચે બાળકો દોડતા જોવા મળે છે. આ સ્થિતિ માત્ર ટ્રાફિકજામ પૂરતી સીમિત નથી, પરંતુ સીધી રીતે અકસ્માતને આમંત્રણ આપે છે. એક નાની ભૂલ કોઈ નિર્દોષ બાળકનો જીવ લઈ શકે તેવી ગંભીર સ્થિતિ રોજબરોજ ઉભી થાય છે.

સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળે છે કે જ્યારે સ્કૂલ પાસે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે, ત્યારે તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? તંત્ર અને સ્કૂલ સંચાલન બંનેની બેદરકારી અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે. સવાલ એ ઊભો થાય છે કે શું રાજકોટનું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ બાળકને નુકસાન થાય ત્યારબાદ જ કાર્યવાહી થશે? નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને સ્કૂલ કેમ્પસનો યોગ્ય ઉપયોગ કરી બાળકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. આ સ્થિતિમાં તરત જ હસ્તક્ષેપ કરવાની જરૂર છે, નહિતર આ બેદરકારી કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે.