Loading Please Wait !!!
પંજાબ સરકારે SC સમાજની મહિલાઓને 1500 અને બાકી તમામ ને 1000 મહિને ચૂકવણી શરૂ

પંજાબમાં આજે દિવાળી જેવો માહોલ

AAP સરકારે મહિલા સન્માન રાશિના ત્રણ હપ્તા એક સાથે ચૂકવ્યા

સિટી ન્યૂઝ@ચંદીગઢ

પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારે મહિલાઓને મોટી ભેટ આપીને ચૂંટણી પહેલા આપેલું પોતાનું એક મોટું વચન પૂર્ણ કર્યું છે. પંજાબમાં 'મહિલા સન્માન રાશિ' યોજના હેઠળ મહિલાઓને દર મહિને મળવાપાત્ર આર્થિક સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે મહિલાઓને એકસાથે ત્રણ મહિનાના હપ્તા ચૂકવીને પંજાબમાં જાણે દિવાળી જેવો જશ્નનો માહોલ ઉભો કરી દીધો છે.

મળતી માહિતી મુજબ, આ યોજના અંતર્ગત પંજાબ સરકાર દ્વારા SC (અનુસૂચિત જાતિ) સમાજની પાત્ર મહિલાઓને દર મહિને ૧૫૦૦ અને અન્ય તમામ પાત્ર મહિલાઓને દર મહિને ૧૦૦૦ ની આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. સરકારે આ સન્માન રાશિના ત્રણ હપ્તા એકસાથે મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી દીધી છે, જેનાથી મહિલાઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

આ યોજનાની શરૂઆત પ્રસંગે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "આજે પંજાબની માતાઓ અને બહેનો માટે ખૂબ મોટો દિવસ છે. ભગવંત માન એવા પ્રથમ મુખ્યમંત્રી છે જેમણે પંજાબને લૂંટ્યું નથી. તેમણે સરકારી પૈસાનો એક-એક રૂપિયો લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે."

અગાઉની સરકારો પર સીધું નિશાન સાધતા કેજરીવાલે આકરા શબ્દોમાં કહ્યું છે, "જે લોકોએ ભૂતકાળમાં પંજાબને લૂંટ્યું છે, તેઓ આજે માતાઓ અને બહેનોને ગાળો આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભગવંત માનને પણ ગાળો ભાંડી રહ્યા છે. પરંતુ આ વિરોધીઓએ હવે સમજી લેવાની જરૂર છે કે પંજાબ હવે બદલાઈ ચૂક્યું છે. પંજાબ હવે ઝડપથી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે."