ડોલરની બાદબાકી: ભારત-જાપાન વચ્ચે રૂપિયા-યેનમાં થશે સીધો વેપાર
- નરેન્દ્ર મોદી અને સાને તાકાઇચીની બેઠકમાં લેવાશે ઐતિહાસિક નિર્ણય, વેપારીઓને મોટો ફાયદો
- 16મી વાર્ષિક શિખર સંમેલનમાં થશે મોટી જાહેરાત, વિદેશી હૂંડિયામણનો ખર્ચ બચશે
- જાપાનીઝ કંપનીઓ ભારતીય બેંકોમાં ખોલશે સ્પેશિયલ એકાઉન્ટ, સીધી ચુકવણીથી વધશે ઝડપ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધો હવે એક નવા અને ઐતિહાસિક મુકામ પર પહોંચી રહ્યા છે. બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાંથી અમેરિકી ડોલરની ભૂમિકા ઘટાડવા માટે સીધા જ ભારતીય રૂપિયા અને જાપાનીઝ યેનમાં લેવડદેવડ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીની ત્રણ દિવસીય ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી 16મી વાર્ષિક શિખર બેઠકમાં આ અંગેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે તો બંને દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર માટેની આ પ્રથમ ઔપચારિક વ્યવસ્થા હશે.
આ નવી યોજના હેઠળ જાપાની કંપનીઓ સીધી ભારતીય બેંકોમાં વિશેષ ખાતા ખોલાવી શકશે, જેનાથી અમેરિકી ડોલર અથવા ત્રીજા દેશની બેંકની મધ્યસ્થીની જરૂરિયાત રહેશે નહીં. આનાથી વિદેશી મુદ્રા બદલવાનો ખર્ચ અને સમય બચશે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને જાપાનના નાણા મંત્રાલય વચ્ચે આ મામલે સહયોગ કરાર થવાની સંભાવના છે. ભારત સરકારે આ પહેલા જ 30 દેશોની 123 વિદેશી બેંકો માટે 156 સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલીને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી દીધી છે.
ભારત અને જાપાન વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે અને જાપાન ભારતમાં પાંચમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. એપ્રિલથી ડિસેમ્બર 2025 વચ્ચે જાપાને ભારતમાં 3.2 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જ્યારે આગામી 10 વર્ષમાં સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી અને હાઈ-ટેક ડિફેન્સ સેક્ટરમાં 61 અબજ ડોલરના રોકાણનું મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન જેવી મહત્વની યોજનાઓ બંને દેશોના મજબૂત સંબંધોનું પ્રતીક છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ ક્વાડ અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા પર પણ વિશેષ ચર્ચા કરશે.
ડોલર પર નિર્ભરતા ઘટવાથી થશે આર્થિક ફાયદો
આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ થવાથી બંને દેશોની કંપનીઓને એક્સચેન્જ રેટના જોખમોથી મોટી રાહત મળશે. વારંવાર ચલણ બદલવાના કમિશન અને અન્ય ટ્રાન્ઝેક્શન ચાર્જમાં કાપ આવવાથી માલસામાન સસ્તો બની શકે છે. આ પગલું માત્ર ભારત કે જાપાન પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં એશિયાના અન્ય વિકાસશીલ દેશો માટે પણ ડોલર વગર વેપાર કરવા માટે એક મોટું અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થશે, જે રૂપિયાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી પ્રદાન કરશે.