જેટકો લાઈનથી ખેડૂતોને મોટું નુકશાન
- AAPના જીગીશા પટેલના આરોપ
- ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની નીતિ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજ્યમાં કાલાવડથી લેલા સોમનાથ સુધી નાંખવામાં આવતી જેટકો (JETCO) ની નવી વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ આંદોલનમાં ઝંપલાવતા આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન જીગીશા પટેલે ખેડૂતોની રેલીમાં પહોંચીને રાજ્ય સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ અને ગંભીર આરોપ લગાવ્યો હતો કે, સરકારની આ નીતિ માત્ર ખેડૂતોને બોલવીને મોટા ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવા માટેની છે.
જીગીશા પટેલે વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, કાલાવડ કે લેલા સોમનાથમાં એવો કયો મોટો પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જ્યાંથી ઉત્પન્ન થતી વીજળી ટ્રાન્સફર કરવા આટલી મોટી લાઈન નાંખવામાં આવી રહી છે? વાસ્તવિકતા એ છે કે આ વીજ લાઈનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સીધો ફાયદો કરાવવા માટે થઈ રહ્યો છે. સરકારી બાબુઓની તાનાશાહીનો પર્દાફાશ કરતા તેમણે જણાવ્યું કે, જે સર્વે નંબરમાથી લાઈન પસાર થવાની હોય તે અસરગ્રસ્ત ખેડૂતને જાણ કરવાના બદલે સીધી ગ્રામ પંચાયતમાં નોટિસ મોકલી દેવાય છે. વાંધા અરજીની મુદત પૂરી થયા બાદ અધિકારીઓ રાતોરાત ખેતરમાં થાંભલા દોડી દે છે. "ક્યા અધિકારીએ ખેડૂતે પૂછીને કે બોલાવીને સર્વે કર્યો?" તેવો સવાલ ઉઠાવી તેમણે માંગ કરી હતી કે જો ખરેખર સરકારી પ્રોજેક્ટ હોય, તો સરકાર લેખિતમાં ખાતરી આપે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ અદાણી-અંબાણીના અંગત પ્રોજેક્ટ માટે નહીં થાય.
વીજ લાઈનથી ખેડૂતોને થનારા નુકસાનનો ચિતાર આપતા AAP નેતાએ જણાવ્યું કે, જે સર્વે નંબરમાં તોતિંગ થાંભલો આવે તે જમીનમાં ભવિષ્યમાં ખેડૂત ન તો કૂવો ગાળી શકે, ન ઓરડી બનાવી શકે ન કોઈ બાંધકામ કરી શકે. આવી જમીન વેચવા જાય તો તેના ભાવ અડધા થઈ જાય છે. આ મોટા આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? ખેતરમાંથી માત્ર તાર પસાર થતા હોય ત્યાં પણ કાલે સવારે કંપનીના માણસો મેન્ટેનન્સના નામે ઊભા પાકને નુકસાન કરશે. જો વીજળી ખરેખર દેશહિતમાં વપરાવાની હોય તો ખેડૂતો હસતા મુખે બલિદાન આપવા તૈયાર છે, પરંતુ કોઈના અંગત સ્વાર્થ અને કરોડોની કમાણી માટે ખેડૂતોને નજીવું વળતર આપીને બરબાદ કરવામાં આવી રહ્યા છે, જે સાંખી લેવાશે નહીં.
રેલીમાં સ્પષ્ટતા કરતા જીગીશા પટેલે ઉમેર્યું કે, તેઓ અહીં કોઈ રાજકારણ કરવા નથી આવ્યા. ખેડૂતોના બોલાવવાથી એક ખેડૂત પુત્રી તરીકે તેઓ ખેડૂતોની વચ્ચે આવ્યા છે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની પીડા કલેક્ટર સુધી પહોંચાડવાનો છે. તેમણે જણાવ્યું કે, "આ લડાઈમાં ખેડૂત આગેવાન રાજુભાઈ સબિયા આગળ રહીને નેતૃત્વ કરે તો પણ અમને વાંધો નથી, અમે ખેડૂતોમાં ભાગલા પાડવા નથી માંગતા. આ લડત કોઈ રાજકીય પક્ષની કે વ્યક્તિગત નથી, આ માત્ર ખેડૂતોના હકની લડાઈ છે અને ખેડૂતોના હિત માટે અમે સતત તેમની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહીશું."