Loading Please Wait !!!
નાયરાનો નિર્ણય: પેટ્રોલ 5 અને ડીઝલ 3 રૂપિયા સસ્તું થયું

  • 1 જુલાઈ 2026 થી કંપનીના 7000 થી વધુ પેટ્રોલ પંપ પર નવા રેટ તાત્કાલિક અસરથી લાગુ
  • વૈશ્વિક બજાર નરમ પડતા નાયરા એનર્જીએ ગ્રાહકોને આપી મોટી ભેટ, માર્ચનો વધારો પાછો ખેંચ્યો
  • પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાની સીધી અસર, ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ હળવો થયો

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટવાની સીધી સકારાત્મક અસર હવે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની નાયરા એનર્જીએ વાહનચાલકોને મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. કંપની દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. 1 જુલાઈ 2026 થી આ નવી કિંમતો તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં પણ વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે, જેણે મોંઘવારીથી ત્રસ્ત નાગરિકોને મોટી રાહત આપી છે.

આ ભાવઘટાડા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં હળવો થયેલો તણાવ છે. મિડલ ઈસ્ટમાં ભૌગોલિક અને રાજકીય તણાવ ઓછો થતાં મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરીથી કાર્યરત થયા છે. જેના પરિણામે ક્રૂડ ઓઈલ અને એલએનજીનો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે. નાયરા એનર્જીએ આ વૈશ્વિક રાહતનો સીધો લાભ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં ઈરાન સંકટ વખતે નાયરાએ જે ભાવ વધારો કર્યો હતો, તે હવે પૂરેપૂરો પાછો ખેંચી લેવાયો છે અને ગુજરાતના વાડિનારમાં આવેલી તેમની વિશાળ રિફાઇનરી પૂરી ક્ષમતા સાથે સજ્જ છે.

નાયરા એનર્જીએ દેશભરમાં આવેલા પોતાના 7000 થી વધુ પેટ્રોલ પંપ પર આ નવા રેટ લાગુ કરી દીધા છે. જોકે, ખાનગી કંપનીના આ નિર્ણય છતાં દેશના 90 ટકા પેટ્રોલ પંપ ચલાવતી સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા હજુ સુધી કોઈ ભાવઘટાડો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આજે પણ સરકારી પંપ પર પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયાના જૂના ઊંચા ભાવે જ વેચાઈ રહ્યું છે. આગામી સમયમાં સરકારી કંપનીઓ પણ ભાવ ઘટાડવા દબાણ અનુભવે તેવી પૂરી શક્યતા છે.

સરકારી કંપનીઓના નિર્ણયની પ્રતીક્ષા

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટવા છતાં ભારતની સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી પોતાના ગ્રાહકોને કોઈ સીધી રાહત આપી નથી. દેશના મોટાભાગના વાહનચાલકો આ કંપનીઓ પર નિર્ભર છે. જો આ કંપનીઓ પણ વૈશ્વિક બજારના ઘટાડાનો પૂરો લાભ સામાન્ય નાગરિકોને આપે તો દૈનિક મોંઘવારી સામે ખૂબ મોટી રાહત મળી શકે છે. હાલમાં સૌની નજર સરકારી કંપનીઓના આગામી નિર્ણય પર ટકેલી છે.